કરજણ તાલુકામાં રાષ્ટ્રીય એકતાના પ્રતીક,લોખંડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે કરજણ તાલુકા સરદાર પટેલ સેવા ગ્રુપ (SPG) દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. કરજણ નવાબજાર ખાતે આવેલ બજાર સમિતિ ખાતેથી જિલ્લા સરદાર પટેલ સેવા ગ્રુપ (SPG)ના પ્રમુખ આશિષ પટેલની આગેવાનીમાં યોજાયેલી વિરાટ રેલીનો પ્રારંભ સવારે 10 કલાકે થયો હતો . ત્યારબાદ રેલી કરજણ નગરના મુખ્ય રાજ માર્ગો તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં ફરી નગરની મધ્યમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી. ઉપસ્થિત જનતાએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સરદાર પટેલ અમર રહોના ગગનભેદી નારાઓથી સમગ્ર નગર ગુંજી ઉઠયું હતું. રેલીમાં કરજણ તાલુકા અને નગરના પાટીદાર યુવાનો, વડીલો ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ એકતાના પ્રતીક અને રાષ્ટ્રીય એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો