સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની ગુણવત્તાને લઈને બૂમરાણ મચી છે, પરંતુ શહેરના વોર્ડ નંબર 2 માં પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી હોય તેમ લાગે છે. વોર્ડ-2 હેઠળ આવતી અનેક સોસાયટીઓમાં પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક તો ઠીક, અન્ય વપરાશ માટે પણ અયોગ્ય હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

દુષિત પાણી આવતા લોકો પરેશાન

સૌથી ગંભીર સ્થિતિ ડિફેન્સ કોલોની અને રઘુવીર નગરમાં જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માત્ર ડિફેન્સ કોલોનીમાં જ દૂષિત પાણી પીવાને કારણે 40 થી વધુ લોકો ઝાડા-ઊલટી અને પાણીજન્ય રોગના શિકાર બન્યા છે.સ્થાનિકોમાં ફેલાયેલો આ રોગચાળો તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે.

અલગ અલગ રંગના પાણીથી ભયનો માહોલ

તક્ષશિલા સોસાયટી અને ગિરિરાજ એવન્યુના રહીશોના જણાવ્યા મુજબ, નળમાં દરરોજ અલગ-અલગ રંગનું પાણી આવે છે. ક્યારેક ફીણવાળું તો ક્યારેક કાળું અને પીળું પાણી આવતા લોકોમાં ફાળ પડી છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ પાણી આપવાના દાવા કરતી નગરપાલિકાના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે.

આંદોલનની ઉચ્ચારી ચીમકી

સ્થાનિક રહીશોએ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે બહેરૂં બનીને બેઠું હોય તેમ લાગી રહ્યુ છે. હવે જનતાનો સંયમ ખૂટ્યો છે. રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં દૂષિત પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે. બીમાર લોકોની સારવાર અને શુદ્ધ પાણીની માંગ સાથે વડોદરા પાલિકા સામે વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી છે.


  • Follow us on: