કરજણ તાલુકાના ગરીબ અને ઘરવિહોણા પરિવારો માટે મહત્વપૂર્ણ એવા ઘરથાળના મફ્ત પ્લોટની ફળવણીનો કાર્યક્રમ કરજણ નગરના ભરતમુની હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાના 23 ગામના કુલ 115 ગરીબ લાભાર્થીને ઘરથાળના મફ્ત પ્લોટની સનદનું વિતરણ કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયું હતું.

સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે ઘરથાળના પ્લોટની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જે અંતર્ગત પ્લોટની સનદ પ્રાપ્ત થતાં લાભાર્થી પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. કરજણ તાલુકાના વિવિધ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને ઘરથાળના મફ્ત પ્લોટની ફળવણી કરાઇ છે. કુલ 23 ગામોના 115 લાભાર્થીને સનદ અપાતા કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર માટે ઘર બનાવવાની દિશામાં સરકાર તરફ્થી મળેલી આ મદદને લાભાર્થીએ આવકારતા સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરતમુનિ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, કરજણ તાલુકાના પ્રાંત અધિકારી શિવમ બારિયા, કરજણ તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન રણા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ચૂંટાયેલા તાલુકા તથા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ, વિવિધ ગામોના સરપંચો, અધિકારીઓ- કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.