સાવલી નગરમાં આજે સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. 35 મીમી વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.
સાવલી નગરમાં સાંજના સમયે ભારે વરસાદના પગલે પોલીસ સ્ટેશન-જન્મોત્રી હોસ્પિટલ માર્ગ પર ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો તેના પગલે રાહદારીઓને અને હોસ્પિટલ જતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દીને પાણીમાંથી પકડીને બહાર લાવવાની ફ્રજ પડી હતી. નગરના જશોદાનગર ચોકડી ગોકુળ વાટીકા પોલીસ મથકથી સાવલી હાઇસ્કુલ રોડ જૂની શાકમાર્કેટ વિસ્તાર જેવા વિસ્તારોમાં પાણી ભરાયું હતું સાવલી નગર અને તાલુકામાં પ્રથમવાર એક સામ તો દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા નગરમાં પાણી ભરાઈ ગયા છે તો આગાહી મુજબ જો 8થી 10 ઇંચ વરસાદ પડયો તો નગરની શું હાલત થશે ? તેવી ચર્ચાએ જોર પકડયં હતું.
