ડભોઈ શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી માતાજી મંદિર નજીક છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી જાહેર રોડ પર વહી રહ્યાં છે. તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે સ્થાનિક રહીશો, વેપારી અને રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે.

પવિત્ર યાત્રાધામ અને રહેણાંક વિસ્તારમાં ફેલાયેલી આ ગંદકીને પગલે લોકોમાં નગરપાલિકા વિરુદ્ધ ભારે આક્રોશ છે. તંત્રને અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે ડભોઈ નગરપાલિકામાં એકવાર નહીં પરંતુ અનેક વખત મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરાઇ છે. છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નકકર કે અસરકારક કામગીરી કરી નથી. અહીં માત્ર ગટરની જ સમસ્યા નથી, પરંતુ વિસ્તારમાં કચરો ઉપાડવા માટે પણ ગાડીઓ નિયમિત આવતી નથી. સફઈ કામગીરી સદંતર ઠપ થઈ છે. જેના કારણે રોડ પર કચરાના ઢગલા ખડકાયા છે. હાલમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ અને મચ્છરજન્ય રોગોનો ભય મંડરાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં 24 કલાક ભરાઈ રહેતા ગંદા પાણી અને ગંદકીને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ ભયાનક ગંદકી મચ્છરો અને ઝેરી જીવાતોનું સંવર્ધન કેન્દ્ર બની છે. જેનાથી સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફટીનીકળવાની દહેશત છે. જો આ ગંદકીને કારણે વિસ્તારમાં કોઈ જીવલેણ રોગચાળો ફટી નીકળશે, કોઈ નાગરિક જાન ગુમાવશે, તો તેની જવાબદારી કોની આ ધાર્મિક સ્થાનની પવિત્રતા જોખમાઈ છે. અને લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે ગટર લાઈનનું સમારકામ કરાવી, વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે.