વડોદરા જીલ્લાના શિનોર તાલુકામાંથી એક ચોંકાવનારો અને મોટી રકમની ઠગાઈનો હનીટ્રેપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિનોર પોલીસ મથકે નોંધાયેલા ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસે અત્યંત પ્રશંસનીય કામગીરી કરીને ગેંગના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હનીટ્રેપ ગેંગે એક ફરિયાદીને પોતાની માયાજાળમાં ફસાવીને ટુકડે-ટુકડે કુલ ₹75 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.

મોબાઈલ નંબર આપી પ્રેમજાળમાં ફસાવ્યો

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, આ આખા કાવતરાની શરૂઆત અનવર મનસુરી (ટેલર) નામના વ્યક્તિથી થઈ હતી. અનવરે ફરિયાદીને મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેનનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ, મનીષાએ ફરિયાદી સાથે વારંવાર સંપર્ક વધારી, મીઠી-મીઠી વાતો કરીને તેમને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધા હતા. ફરિયાદી સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી જતાં ગેંગે અલગ-અલગ સ્થળોએથી તેમની પાસેથી મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું હતું.

વીડિયો વાયરલ કરવા અને રેપ કેસની ધમકી આપી

જ્યારે ફરિયાદીએ વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે આ ગેંગે પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. આરોપીઓએ ફરિયાદીના અંગત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરી બદનામ કરવાની તેમજ પોલીસમાં દુષ્કર્મ (રેપ) ની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. બદનામીના ડરથી ફરિયાદીએ ટુકડે-ટુકડે ₹75 લાખ ગુમાવી દીધા હતા.

ગેંગે અન્ય કેટલાય લોકોને પણ શિકાર બનાવ્યા હોઈ શકે

છેવટે હિંમત કરીને ફરિયાદીએ શિનોર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લઈને મુખ્ય આરોપી શાંતાબેન ઉર્ફે મનીષાબેન વસાવા, અહેમદખા સિકંદરખા પઠાણ અને અક્ષયભાઈ પ્રતાપભાઈ વસાવાની ધરપકડ કરી લીધી છે. પોલીસે કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગે અન્ય કેટલાય લોકોને પણ શિકાર બનાવ્યા હોઈ શકે છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો----   Dhar Bhojshalaમાં ઈતિહાસ રચાયો, પોલીસ બંદોબસ્ત વચ્ચે હિંદુઓએ કરી પૂજા