શહેર - જિલ્લાના નાગરિકોએ આજે ધનતેરસના દિવસે જ બજારોમાં ધૂમ ખરીદી કરી હતી. દિવાળી પર્વને બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આજે શહેરના બજારો ગ્રાહકોથી ચિક્કાર જોવા મળ્યા હતા. સવારના નવ વાગ્યાથી જ શરૂ થયેલા બજારો મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. નાગરિકોએ ઉત્સાહપૂર્વક દિવાળી મનાવવા માટે મોંઘવારીને ભૂલી જઇને ખરીદી કરી હતી. ચાર દરવાજા, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, જુના પાદરા રોડ, નિઝામપુરા,માંજલપુર, ગોરવા, ગોત્રી રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારો અને શહેરના સીમાડાના વિસ્તારોમાં દુકાનોમાં નાગરિકોએ જીવન જરૂરી ચીજોની ખરીદી કરી હતી. ખાસ કરીને રેડીમેઇડ વસ્ત્રો, પગરખા, ઘર સુશોભનની ચીજ વસ્તુઓ, મિઠાઇઓ, મુખવાસ, ઇલેક્ટ્રિક ઉપકરણો સહિતની ચીજોની ખરીદી કરી હતી. જાહેર સાહસો, ખાનગી કંપનીઓમાં, જીઆઇડીસીમાં આવેલા નાના મોટા એકમોના કામદારોને બોનસનું વિતરણ થતાં જ શહેર તેની અસર જોવા મળી હતી. બોનસ એક્ટ મુજબ કારખાના ધારા હેઠળ નોંધાયેલા એકમોના કામદારોને લઘુત્તમ 8.33ટકા બોનસ આપવાની જોગવાઇ છે. આ ઉપરાંત કંપનીઓ - એકમો તેથી પણ વધુ બોનસ, ઇન્સેન્ટીવ આપતા હોય છે. શહેરના નાગરિકોએ પોતાની યથાશક્તિ મુજબ ખરીદી કરી હતી. ખાસ કરીને રસ્તા ઉપર પાથરણાવાળાઓ પાસેથી ખરીદી કરી હતી. શોપિંગ મોલ, શો રૂમોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.કેશ કાઉન્ટર ઉપર જ ઘણા ગ્રાહકોને અડધા કલાકથી પોણા કલાક સુધી બીલ ચૂકવવા માટે રાહ જોવી પડી હતી. બજારોમાં ગ્રાહકોની છેલ્લી ઘડીએ જોવા મળેલી ભીડના પગલે આ વર્ષે પણ વેચાણના નવા રેકોર્ડ સ્થપાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. યુપીઆઇથી પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ રહ્યું હોવાના કારણે નાગરિકોને કોઇ નાણાંની ચૂકવણીમાં કોઇ જ મુશ્કેલી પડી ન હતી. મધ્યમ અને ગરીબ વર્ગના ગ્રાહકોના હોટ ફેવરીટ મંગળબજારની દુકાનોમાં તો વેપારીઓએ ગ્રાહકોને જણાવવું પડયું હતુંકે, ખરીદી કરવાની હોય તો જ દુકાનમાં આવવું. ખાસ કરીને રેડીમેઇડ વસ્ત્રોની ખરીદીમાં આવું જોવા મળ્યું હતું. એક વ્યક્તિ માટેની ખરીદી માટે પરિવાર તમામ લોકો દુકાનમાં પ્રવેશતા હોવાના કારણે આમ જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ વૈભવી વિસ્તાર જુનાપાદરા રોડ, અલકાપુરી, રેસકોર્સ, ગોરવા રોડ , ગોત્રી રોડ વિસ્તારના શો રૂમો ખાતે પણ ગ્રાહકોને જંગી ખરીદી કરી હતી. સેલના નામે પણ ઘણા લોકો વધુ નાણાં પડાવતા હોવા છતાં પણ તેને નજર અંદાજ કરીને ખરીદી કરાઇ હતી.
