ડભોઇ તાલુકાના મેગા કુઈ, સલાડ, ડાંગીકુવા, કંકોઈ, સમસ્તપુરા વિગેરે વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ (નર્મદા નહેર)માં મોટા પ્રમાણમાં ઝાડી-જાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ છે.ચોમાસું સમાપ્ત થયું હોવા છતાં અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સફાઇ માટે સમય હોવા છતાં, કોઈ પણ પ્રકારની સફાઇ કામગીરી કરાતી નથી.


આ ગંભીર બેદરકારીને કારણે ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવે છે. જેને લઈને ખેડૂતોએ રોષ સાથે વહેલી તકે સફાઇ અને પાણી છોડવા માંગ કરી છે. કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી-જાખરાને કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી. આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે. જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું નથી તેમ નર્મદા નિગમના અધિકારી સામે ખેડૂતોની રજૂઆત કરી હતી. હાલ જો નહેરની સફાઇ અત્યારે નહીં થાય, તો શિયાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે. જ્યારે કે શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ, ત્યારે આ ઝાડીઓ પાણીને આગળ વધવા દેશે નહીં અને પાક નિષ્ફ્ળ જશે તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે નર્મદા નિગમના અધિકારી સી એ રાઠવાએ વહેલી તકે પાણી પહોંચાડવા ખેડૂતોને હૈયાધારણ આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: