ડભોઈ : ડભોઈ સહિત સમગ્ર વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. મહેસૂલી કર્મચારીઓ દ્વારા જિલ્લા ફેરબદલી અંગેની એન.ઓ.સી. પ્રથા બંધ કરવામાં આવી હોવાના મુદ્દે પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ સહિત અન્યાયી કાર્યવાહી સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર જતા ડભોઈ તાલુકા સેવા સદનમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. વિવિધ મહેસૂલી કામગીરી માટે તાલુકા સેવા સદન ખાતે આવતા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને કામગીરી ન થતા ધરમધક્કા ખાઈ પરત ફરવાની ફરજ પડી રહી છે. હડતાળને પગલે સેવા સદનના વિવિધ વિભાગોમાં કામગીરીની ગતિ અટકી જતા અરજદારોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે. જમીન, આવક, દાખલા સહિતની મહેસૂલી સેવાઓ માટે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાય અને મહેસૂલી સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ થાય તેવી અરજદારોમાં માંગ ઉઠી રહી છે.
