રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ એટલે કે નેશનલ ફિલ્મ એવોર્ડનો કાર્યક્રમ પ્રથમ વખત દિલ્હી બહાર ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તા.22 સપ્ટેમ્બર મંગળવારે યોજાઇ રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે નેશનલ ફિલ્મ એવોર્ડને ગુજરાત સાથે શુ સંબંધ છે. તો જાણીને આૃર્ય થશે કે ભારતમાં ફિલ્મ નિર્માણનો પાયો જ ગુજરાતના વડોદરામાં નખાયો હતો એટલે કે બોલીવુડ નામના વૃક્ષનું મૂળ વડોદરામાં છે.
ભારતીય સિનેમાના પિતામહ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે, જેઓ દાદાસાહેબ ફાળકે તરીકે જગવિખ્યાત છે, તેમણે વર્ષ 1913માં રાજા હરિશ્ચંદ્ર નામની ભારતની પ્રથમ ફ્લ્મિ બનાવીને ભારતમાં સિનેમાનો પાયો નાખ્યો હતો. મુંબઈ અને નાસિક તેમના કાર્યક્ષેત્રો રહ્યા, પરંતુ તેમની આ મહાન સિદ્ધિના મૂળ વડોદરા (તત્કાલીન બરોડા સ્ટેટ) ની સંસ્કારી ભૂમિ અને કલા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.
વડોદરા શહેરને ગુજરાતની સંસ્કારી નગરી કહેવામાં આવે છે, અને આ શહેરના શિલ્પી મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) હતા. તેમની દીર્ઘદૃષ્ટિના પરિણામે વડોદરામાં કલાકારો અને સાહિત્યકારોને આશ્રય મળતો હતો. આ જ સાંસ્કૃતિક વાતાવરણે ભારતને તેનો પહેલો ફ્લ્મિમેકર આપ્યો.
મુંબઈની પ્રખ્યાત સર જે.જે. સ્કૂલ ઓફ્ આર્ટ્સમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી, દાદાસાહેબ ફાળકે 1890ના દાયકામાં વડોદરા આવ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલા, સાહિત્ય અને ટેક્નોલોજીના વિકાસ માટે વડોદરામાં કલાભવન (જે આજે એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી તરીકે ઓળખાય છે) ની સ્થાપના કરી હતી. દાદાસાહેબે આ કલાભવનમાં એડમિશન લીધુ અને ત્યાં વોટર કલર પેઇન્ટિંગ, આર્કિટેક્ચર, અને સૌથી અગત્યનું-ફોટોગ્રાફી અને લિથોગ્રાફી (છાપકામ) નું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કલાભવનના તત્કાલીન પ્રિન્સિપાલ પ્રો. ત્રિભુવનદાસ ગજ્જરનો તેમને પૂરો સહયોગ અને માર્ગદર્શન મળ્યું હતું.
વડોદરામાં રહીને જ તેમણે ફોટોગ્રાફીના સાધનો ખરીદ્યા અને એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે નજીકના શહેર ગોધરામાં પણ પોતાનો ફોટોગ્રાફી સ્ટુડિયો શરૂ કર્યો હતો, પરંતુ પ્લેગની મહામારી ફેલાતા તેમને પત્ની ગુમાવવી પડી અને તેઓ ત્યાંથી કામ સમેટીને મુંબઇ જતા રહ્યાં.
આ ઉપરાંત, વડોદરામાં વસવાટ દરમિયાન તેઓ સ્થાનિક નાટક મંડળીઓ અને જાદુગરોના સંપર્કમાં આવ્યા. તેમણે મેજિક શો (જાદુના ખેલ) પણ શીખ્યા, જે પાછળથી તેમને ફ્લ્મિોમાં ટ્રિક ફોટોગ્રાફી'અને સ્પેશિયલ ઇફેક્ટ્સ આપવા માટે ખૂબ ઉપયોગી સાબિત થયા.
હવે વાત આવે છે ભારતીય સિનેમા ઉદ્યોગમાં વડોદરાના યોગદાનની. દાદાસાહેબે વડોદરાના કલાભવનમાં જે પ્રિન્ટિંગ, લિથોગ્રાફી અને ફોટોગ્રાફીની બારીકીઓ શીખી હતી, તેણે તેમના મનમાં વિઝયુઅલ આર્ટ્સ પ્રત્યેનો પ્રેમ જગાડયો. આ જ્ઞાનના સહારે તેઓ પાછળથી જર્મની ગયા અને ત્યાં જઈને તેમને મુવિંગ પિક્ચર્સ (ચલચિત્ર) બનાવવાની પ્રેરણા અને ટેકનિકલ સમજ મળી. જ્યારે તેમણે ભારતની સૌપ્રથમ ફ્લ્મિ રાજા હરિશ્ચંદ્ર બનાવી, ત્યારે તેમાં કેમેરાના એંગલ્સ, સેટ ડિઝાઇનિંગ, લાઈટિંગ અને ફ્લ્મિ પ્રિન્ટિંગની જે ટેકનિક વાપરવામાં આવી હતી, તેનો મજબૂત પાયો વડોદરાના કલાભવનમાં નખાયો હતો.
આમ, ભારતીય સિનેમાના ઇતિહાસમાં વડોદરાનું નામ અદૃશ્ય પણે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. વડોદરાની સંસ્કારી ભૂમિ, મહારાજા સયાજીરાવનું વિઝન અને કલાભવનના શિક્ષણ થકી જ દાદાસાહેબ ફાળકે એક શ્રોષ્ઠ ચિત્રકાર, ફોટોગ્રાફર અને ટેકનિશિયન બની શક્યા અને પરિણામે ભારતને તેનો પહેલો સિનેમાઈ અનુભવ મળ્યો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો