80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા જિલ્લાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વડોદરા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર કુલ 56 કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ તથા નાગરિકોને પ્રસંશા પત્ર આપી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ કરી હતી. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં પોલીસ સહિત કુલ 19 પ્લાટુનના કર્મચારી જવાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 વર્ષ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલા 'વિકસિત ભારત જ્ર 2047'નું લક્ષ્ય આપ્યું હતું. આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર બે દાયકા છે, ત્યારે આ 80મો સ્વાતંર્ત્ય દિન માત્ર ઉજવણી નથી. આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટેની એક મહાન પ્રેરણા છે. આજે વડોદરા જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના લાભ પહોંચ્યા છે. 15મા નાણાપંચ અંતર્ગત વડોદરા જિલ્લાને રૂ. 479 કરોડની ગ્રાંટ મળી છે. સંવેદનશીલ વિસ્તારના લોકો માટે પાંચ શેલ્ટર હોમ મંજૂર કરાયા છે. છેલ્લા 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને સરકારે રાહત ચૂકવી છે. 'પી.એમ. કિસાન યોજના'માં રાજ્યના 69.25 લાખથી વધુ ખેડૂત કુટુંબોને લાભ મળ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 1,810 ખેડૂતોને આર્થિક મદદ મળતાં 308 મોડેલ ફાર્ર્મ બનાવ્યા છે.

આજે ગુજરાત ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડલ છે. સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર આપવા સતત કાર્યરત છે. 2025-26માં 1,333 ભરતી મેળા યોજી 1,15,774 યુવાનોને નિમણુંક પત્રો અપાયા છે. છેલ્લા 5 વર્ષમાં 7,403 મેગા રોજગાર ભરતી મેળાઓ યોજી 6.54 લાખથી વધુ યુવાનોને નોકરી પૂરી પાડી છે.તેમજ સમગ્ર દેશમાં ગુજરાત ડ્રગ્સ પકડવામાં અગ્રેસર રાજ્ય બનશે. છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સ ઘુસાડતા 75 વિદેશી નાગરિકોને જેલહવાલે કર્યા છે. જેમને હજૂ સુધી જામીન મળ્યાં નથી.

આઝાદીના સંગ્રામમા ગાયકવાડી શાસન અને વડોદરા નગરીના પ્રદાનને યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ગાયકવાડી શાસન સુશાસન અને રાષ્ટ્રનિર્માણની પાઠશાળા હતું. બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાએ ઓળખી તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી જેનો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હક્કોના મૂળિયાં વડોદરાની આ 'સંકલ્પ ભૂમિ'માં રહેલા છે. નોંધનીય છે કે, કાર્યક્રમના અંતે એક પેડ મા કે નામ 2.0 અંતર્ગત સંઘવી સહિતનાઓએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો