શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં શનિવારે ફૂટબોલ પ્રેક્ટિસ માટે ગયેલા શાળાના 15 વર્ષીય વિદ્યાર્થીનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈને શાળા, પરિવાર અને મિત્રો શોકાતૂર બન્યાં હતા. ન્યૂ એરા સ્કૂલના વિદ્યાર્થીનું શાળામાં જ કરંટ લાગતા મોત નીપજ્યું હોવાથી શાળાના સંચાલકો દ્વારા સોમવારે એક દિવસનો શોક જાહેર કરાયો હતો અને શાળામાં રજા જાહેર કરાઈ હતી.

નિઝામપુરાની જયપ્રકાશ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 15 વર્ષીય દેવ પ્રશાંતભાઈ શાહ નિઝામપુરાની ન્યૂ એરા શાળામાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તે શાળાની ટીમમાંથી ફૂટબોલ પણ રમતો હતો. દેવ અને મિત્રો રોજ સાંજે શાળાના ગ્રાઉન્ડમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરવા માટે જતાં હતા. દરમિયાન શનિવારે પણ રાબેતા મુજબ દેવ અને સાથી ટીમના સભ્યો ફૂટબોલની પ્રેક્ટિસ માટે શાળાના ગ્રાઉન્ડમાં ગયા હતા. જ્યાં સાંજે 8 વાગ્યાના અરસામાં રમતા રમતા ફૂટબોલ શેડ ઉપર જતો રહેતા દેવ ફૂટબોલ ઉતારવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન પાર્કિંગના સ્થળે લાગેલા હેલોજનના ટાવર પાસેની સીડી પરથી શેડ ઉપર ગયો ત્યારે દેવનો હાથ વીજ થાંભલાને અડી જતાં એકાએક કરંટનો ઝટકો લાગતા તે ફંગોળાયો હતો. જેને કારણે ફૂટબોલ કોચ અને અન્ય પ્લેયરો દોડી આવતા દેવને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ દેવના પરિવારને તથા ફતેગંજ પોલીસ મથકે કરાઈ હતી. જેથી પરિવાર ગણતરીના સમયમાં દોડી આવ્યો હતો. પુત્રને મૃત હાલતમાં જોતા જ પરિવારે હૉસ્પિટલ પરિસરમાં કલ્પાંત મચાવી મૂક્તા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે આશાસ્પદ યુવાનની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના વ્યક્તિઓ, સ્થાનિકો, મિત્રો સહિત મોટી સંખ્યામાં વ્યક્તિઓ જોડાયા હતા.