સાવલી સાંકરદા રોડ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અનિયમિત એસ ટી બસના મુદ્દે સાંકરદા ગામ પાસે બસો રોકીને ચક્કાજામ કરતા ભારે ચર્ચા જાગી છે. અને અનિયમિત બસો મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભાદરવા પંથક અને સાંકરદા ગામના વિવિધ અભ્યાસ અર્થે આણંદ નડિયાદ વડોદરા વાસદ જેવા શહેરોમાં અભ્યાસ અર્થે સેંકડો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. પરંતુ એસ ટી વિભાગની જોહુકમી અને લાલિયાવાડીને પગલે સ્કૂલ સમય દરમિયાન દોડતી એસટી બસોના રૂટો પર અનિયમિત બસો દોડે છે. જેથી વિદ્યાર્થી અને નોકરિયાતવર્ગને ભારે હાલાકી વેઠવી પડે છે. અને શિક્ષણનો સમય તેમજ નાણાંનો વ્યય થાય છે. અને ખાનગી વાહનોને અનિયમિત બસોના પગલે તડાકો પડે છે. ત્યારે આજરોજ અનિયમિત બસોના કારણે વિદ્યાર્થીઓએ વડોદરા-વાસદ-આણંદ રૂટની એસટી બસો રોકી વિરોધ નોંધાવીને ચક્કાજામ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરવાની નોબત આવી છે. અને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અને એસટી બસોની નિયમિત અને અને વધુ રૂટની વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓની માંગ છે. જેની જાણ થતાં નંદેસરી પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ચક્કાજામથી થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બસને રોકી ચક્કાજામ કરતા વાહનોની ભારે લાંબી કતારો લાગી હતી.