ખગોળ પ્રેમીઆને આગામી દિવસોમાં એક દુર્લભ અને અદભૂત ખગોળીય ઘટનાનો રોમાંચ માણવાની જતક મળશે. સળંગ ત્રણ મહિના સુધી આકાશમાં સુપરમૂન દેખાશે. આમાં પણ સૌથી ખાસ દિવસ હશે 24 ડિસેમ્બર. તે દિવસે પૂર્ણિમા હશે અને ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના બિંદુ પર હશે. તેના કારણે ચંદ્ર સામાન્ય કરતા વધુ મોટો, વધુ ગોળ અને વધુ ચમકદાર દેખાશે. સામાન્ય ભાષામાં સમજીએ તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળ નહીં પણ લંબગોળ કક્ષામાં ફરે છે. ક્યારેક તે પૃથ્વીથી દૂર હોય છે અને ક્યારેક ખૂબ નજીક આવી જાય છે. જ્યારે પૂર્ણ ચંદ્ર પોતાની કક્ષામાં પૃથ્વીની સૌથી નજીકના બિંદુ એટલે કે પેરીજી પર હોય છે, ત્યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. આ સમયે ચંદ્ર સામાન્ય પૂર્ણિમા કરતા લગભગ 14% વધુ મોટો અને 30% વધુ તેજસ્વી દેખાય છે. આ ફરક નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ખાસ કરીને જ્યારે ચંદ્ર ક્ષિતિજ પાસે હોય ત્યારે તે વધુ મોટો લાગે છે, જેને મૂન ઈલ્યુઝન કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓના મતે આ દરમિયાન ચંદ્રને જોવા માટે કોઈ ખાસ સાધનની જરૂર નથી. નરી આંખે પણ આ નજારો માણી શકાશે. જોકે બાયનોક્યુલર કે ટેલિસ્કોપ હોય તો ચંદ્રના ખાડાઓ અને સપાટી વધુ સ્પષ્ટ દેખાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો