ડભોઇ નજીક તરસાણા ચોકડી હાલના તબક્કે ગંભીર પ્રદૂષણ અને ગેરકાયદે કચરાના નિકાલનું મુખ્ય કેન્દ્ર બની છે. આ વિસ્તારમાં એક તરફ્ સ્થાનિક લોકો જાહેરમાં કચરો ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ્ આસપાસની ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલયુક્ત કચરો, ગંદુ કેમિકલ અને જોખમી સામગ્રી અહીં ખુલ્લામાં ફેંકીને સળગાવી દેવામાં આવે છે. ખુલ્લામાં બળતા કેમિકલના ધુમાડાને કારણે વાતાવરણ અત્યંત પ્રદૂષિત બન્યું છે. સ્થાનિકો તેમજ રાહદારીઓને શ્વાસ લેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તરસાણા ચોકડી પાસેથી ઝેરી કેમિકલ ભરેલું કન્ટેનર કે ટેન્કર જેવું મોટું કૌભાંડ ઝડપાયું હતું. જોકે તે કેસમાં તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરાઇ તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા ઉજાગર થઇ નથી. તંત્રની ઢીલી નીતિને કારણે બેફામ બનેલા તત્વોએ હવે તરસાણા ચોકડીને કેમિકલ અને ઝેરી કચરો સળગાવવાનું સુરક્ષિત હબ બનાવી દીધું છે. ?જો સમયસર આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ નહીં લગાવાય અને ભવિષ્યમાં કોઈ અત્યંત જોખમી ઝેરી કેમિકલના કારણે આગ લાગવા કે ગેસ ગળતર જેવી મોટી દુર્ઘટના સર્જાશે, તો તેનો જવાબદાર કોણ રહેશે ? તેવો ગંભીર પ્રશ્ન સ્થાનિક પ્રજા ઉઠાવી રહી છે. સ્થાનિક રહીશોની માંગ છે કે ડભોઇ નગરપાલિકા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ઘોર નિદ્રામાંથી જાગીને તરત પગલાં ભરે. સમગ્ર વિસ્તારમાં સાફ્-સફઈ હાથ ધરીને ગેરકાયદે કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકાય. તેમજ ચોકડી પર તાત્કાલિક CCTV કેમેરા ગોઠવવામાં આવે. સીસીટીવી ફૂટેજને આધારે રાત્રિના અંધારામાં કેમિકલ અને કચરો નાખી જતાં વાહનો અને ફેક્ટરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માગ ઉઠી છે.