કરજણ તાલુકાના ને.હા.48 પર વલણ ગામના પાટિયા નજીક બેફ્કિરાઈથી હંકારી રહેલા રિક્ષા ચાલકે પોતાની રિક્ષા હાઈવેના નાળાની દીવાલ સાથે અથાડી દેતાં તેમાં સવાર તેમની પત્નીને કાંડામાં ફ્રેક્ચરની ઈજા તેમજ પંદર વર્ષીય પુત્ર રિક્ષામાંથી નાળામાં ફેંકાઇ જતાં કાંસના પાણીમાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું હતું.


કરજણ જલારામનગર ખાતે સિંધી ફળિયામાં રહેતાં જાવિદ ચાંદભાઈ મહેદવી તેની પત્ની હિદાયતબાનુ, તેનો પુત્ર તજમલ તેમજ તેમના બે ભત્રીજા સાથે રિક્ષા લઈને ગત તા. 12ના રોજ ભરૂચ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી લગ્નપ્રસંગ પતાવી આજરોજ ઘરે પરત આવતા હતાં. ત્યારે કરજણ તાલુકાના ને.હા.48 પર ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર વલણ ગામ નજીક રામદેવ હોટલ પાસે હાઈવેના નાળાની દીવાલ સાથે જાવિદ મહેદવીએ રિક્ષા અથાડી અકસ્માત કર્યો હતો. જેથી રિક્ષામાં સવાર તેનો દીકરો તજમલ જાવિદ મહેદવી (ઉ.15, રહે.કરજણ જલારામનગર સિંધી ફળિયા) નાળાની કાંસના પાણીમાં ફેંકાઇ ગયો હતો. જે પાણીમાં ડૂબી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જેને સ્થાનિક લોકો તેમજ ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢયો હતો. જ્યારે રિક્ષાચાલક જાવિદને પગમાં તેમજ તેમની પત્ની હિદાયતબાનુને કાંડામાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચતા કરજણ ખાનગી દવાખાને સારવાર હેઠળ ખસેડાયા હતાં. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: