ગુજરાત ભરમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર મારફ્ત સરકારી અનાજનું વિતરણ કરાય છે. સરકાર દ્વારા ગ્રાહકો માટે મીઠું ફરજીયાત અપાય છે. આ મીઠું કોઈપણ રેશનકાર્ડ ધારક લઈ જતો નથી. જેથી દુકાનોમાં એક્સપાયર થાય છે. જેથી જથ્થો બંધ કરવો જરૂરી છે.
શિનોર તાલુકામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતનો વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર મારફ્ત વિના મૂલ્યે તથા રાહત દરે જરૂરી વિતરણ કરાય છે. સરકાર દ્વારા દુકાનદારોની પરમીટમાં મીઠું ફરજિયાત આપે છે. પરંતુ આ મીઠું આયર્ન યુક્ત હોવાથી ક્યારેક કાળા કણો નજરે પડે છે. આ મીઠાથી રાંધેલ ખોરાક રંગમાં કાળો પડતો હોવાથી કોઈપણ રેશનકાર્ડ ધારક રાહત દરે મળતું મીઠું લેતો નથી. ફ્ળ સ્વરૂપ દુકાનદારોને ત્યાં આ મીઠું પડી રહે છે. જે એક્સપાયર થતાં આ મીઠાને દુકાનદારો દ્વારા નદી નાળામાં કે અન્ય સ્થળે સ્વખર્ચે નિકાલ કરવો પડે છે. શિનોર તાલુકાની એક દુકાનમાં આજરોજ તપાસ કરતાં કલ્પતરુ, ડબલ ફોર્ટિફઈડ વિથ આયર્ન એન્ડ આયોડીન, પ્રીમિયમ ક્વોલિટી એક કિલો મીઠાની બેગ, જે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડે સપ્લાય કરેલ અને સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ જંબુસર, ભરૂચે મેન્યુફેક્ચર કરેલ છે. જેનુ પેકીંગ સપ્ટેમ્બર-24 છે અને યુઝ બાય ઓગસ્ટ-25 લખેલ છે. હાલ ડિસેમ્બર-25 પૂર્ણતાને આરે છે. જેથી આ જથ્થો ઉપયોગમાં લઈ શકાય નહીં. અન્યથા કોઈ રેશનકાર્ડ ધારકને કંઈ અજુગતું થાય તો જવાબદારી કોની ? ગુજરાત ભરમાં સરકારના આ મીઠાને રાહત દરે કોઈ લેતું નથી. દુકાનદારોના ગળે આ મીઠાનો જથ્થો પડી રહે છે.










