સાવલી તાલુકાના વિટોજ ગામે ચામુંડા માતાના મંદિરની ચાવી રાખવા મુદ્દે બે પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ માહોલ ગરમાયા બાદ સાવલી પોલીસ મથકે પહોંચ્યો હતો.સાવલી પોલીસ મથકે વિટોજ ગામના ગ્રામજનોએ ગામના સામૂહિક મંદિરની ચાવી રાખવા મુદ્દે ગામના ઇસમ દાદાગીરી અને જોહુકમી કરતા હોવાનો આક્ષેપ કરીને લેખિત ફરિયાદ આપી છે. જે મુદ્દે સમગ્ર મામલે ગ્રામજનોએ સહી કરીને સરપંચના દિયર સામે વિવિધ આક્ષેપો કર્યા છે.
આ મુદ્દે ગામમાં તણાવનો માહોલ સર્જાયો હોવાનો ઉલ્લેખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. આક્ષેપ મુજબ, ગામલોકોએ ફાળો ઉઘરાવીને મંદિર ચામુંડા માતાનું મંદિર બનાવ્યું હતું. જેની તકેદારી રાખવા માટે સર્વ સંમતિથી ગામના એક પ્રતિનિધિને મંદિરની ચાવી સોંપી હતી. જેનાથી ઉશ્કેરાઈને ગામના માથાભારે ઈસમ કિરણ ઉર્ફે હુકાએ મંદિરની ચાવી પોતાની પાસે જ રહેશે નહી તો, તાળું તોડી નાખવાની ધમકી આપતા વાતાવરણ ડહોળાયું હતું. ભારે તું તું મેં મેંના દ્રશ્યો સર્જાયા હતા. બંને પક્ષને સમજાવવા પોલીસે કવાયત કરી હતી. ગ્રામજનોએ માથાભારે માણસ કિરણ ઉર્ફે હુકો દ્વારા ગામમા ગેરકાયદે રેતી ખનન કરાવતો હોવાનો આક્ષેપ કરાયા હતા. ગ્રામજનોએ સરપંચના દિયર કિરણસિંહ ઉર્ફે હુકા ભારતસિંહ ગોહિલ (રહે વિટોજ) વર્ષોથી ખનીજ માફ્યિાઓ દ્વારા ગેરકાયદે નાવડીઓ મૂકી રેતી ખનન કરે છે. તેવો આક્ષેપ કરી રહ્યાં છે.સમગ્ર બાબતે સાવલી પોલીસ મથકે લેખિતમા 25થી વધુ ગ્રામજનોની સહી સાથે અરજી આપી છે. ગ્રામજનોએ કિરણસિંહ ભરતસિંહ ગોહિલ ઉર્ફે હુકા સામે પોતાની ભાભી સરપંચ છે. તે વહીવટ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. હાલ મંદિર મુદ્દે ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.










