ડભોઇ સરિતા ફટક પાસે આવેલી મદદનીશ ખેતી નિયામકની કચેરી બિસ્માર 5 વર્ષથી રજૂઆતો છતાં તંત્રની ઘોર બેદરકારીને લઇ 118 ગામના ખેડૂતો અને કર્મચારીના જીવ જોખમમાં ચોમાસામાં છત પરથી પાણી પડે છે. અને સ્લેબના પોપડા ખરે છે. ડભોઇની સરિતા ફટક પાસે મદદનીશ ખેતી નિયામકની કચેરી (તાલીમ યોજના પેટા વિભાગ, ડભોઈ) તંત્રની ઘોર બેદરકારીનો જીવતો-જાગતો પુરાવો બની છે. પાંચ વર્ષથી આ કચેરી અત્યંત જર્જરિત હાલતમાં છે. છતાં શાસકો અને અધિકારી આંખ આડા કાન કરે છે. 5 વર્ષથી લેખિત-મૌખિક રજૂઆતો, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કચેરીની દયનીય હાલત અંગે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરાઇ છે. છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. ચોમાસામાં કચેરીની છતમાંથી સતત પાણી ટપકે છે. અને છતના મોટા-મોટા પોપડા નીચે પડે છે. 118 ગામના ખેડૂતો અને અરજદારો પર તોળાતું જોખમ ડભોઇ તાલુકાના 118 ગામોના ખેડૂતો ખેતીવાડીને લગતા કામકાજ અને તાલીમ યોજના માટે રોજિંદા ધોરણે આ કચેરીની મુલાકાતે આવે છે. કચેરીની આવી ભયજનક સ્થિતિને કારણે અહીં આવતા અરજદારો, ખેડૂતો અને ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માથે સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો