કરજણ તાલુકામાં કપાસ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન થતાં ખેડૂતો મકાઈ ની વાવણી તરફ્ વળેલ છે. જેમાં તાલુકામાં વધારે પ્રમાણમાં મકાઈનું વાવેતર થયેલ છે. જ્યારે મકાઈ તૈયાર થયા બાદ વેચવા માટે ખેડૂતોની પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટે જાહેરાત કરી હતી. જેમાં એક હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદીની જાહેરાત કરી હતી.
મકાઈ વેચવા માટે ખેડૂતે ઓનલાઈન પ્રક્રિયા કરવાની હોય છે જે પ્રક્રિયા લગભગ દોઢ મહિના અગાઉ થઈ ગઈ હતી. ઓનલાઇન પ્રક્રિયા બાદ પણ ટેકાના ભાવે મકાઈ ખરીદવાની કામગીરી થઈ ન હતી. થોડા દિવસ અગાઉ મકાઈ ખરીદવાની કામગીરી શરૂ થઈ હતી. જેમા તા.1 થી તાલુકાના કેટલાક ખેડૂતોને મોબાઈલ દ્વારા મેસેજ કરેલ હતા. ખેડૂતો મકાઈના ટ્રેક્ટર ભરીને વહેલી સવારથી જ મકાઈ ખરીદીના કેન્દ્ર પર આવી ગયા હતા. ત્યારે મકાઈ ખરીદી કેન્દ્રના અધિકારી આવતા જણાવેલ કે સરકારનો નવો પરિપત્ર આવેલ છે, એક ખાતા દીઠ 15 ક્વિન્ટલ મકાઈ ખરીદાશે. આ સાંભળીને ખેડૂતોમાં ભારે રોષ ઉઠવા પામેલ છે. ખેડૂતો પકવેલ મકાઈ લઈને જાય ક્યાં અને જે પરિપત્ર પ્રમાણે ખરીદી અગાઉથી નક્કી કર્યું હોત ખેડૂતો ગમે ત્યાં એનો નિકાલ કરી શકે, હવે ચોમાસાના એંધાણ વરતાયા છે. બે દિવસથી વરસાદી ઝાપટાપડે છે. મકાઈ બગડી જાય અને મહા મુસીબતે પકવેલી મકાઈ ના છૂટકે ખાનગી વેપારીઓને વેચવા જઈશું તો સસ્તા ભાવે ખાનગી વેપારીઓ મકાઈ પડાવી લેશે. જેમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થાય તેમ છે સરકારની આવી નીતિથી ખેડૂતોમાં નારાજ થયેલ છે. ખેડૂત ની માંગણી છે કે સરકાર દ્વારા અગાઉ જે હેક્ટર દીઠ 28 ક્વિન્ટલની જાહેરાત કરી હતી તે પ્રમાણે ખરીદી શરૂ કરે તેવી માંગ છે.










