ગુજરાતમાં ભેળસેળિયા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. દૂધથી લઈને મીઠાઈ, પનીર, મસાલા, દવા, ઘી, ખાદ્યતેલ, દૂધની બનાવટો અને ગોળ જેવી રોજિંદા જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભેળસેળનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ થઈ રહ્યાં છે, ત્યારે ભેળસેળના ખેલ પર લગામ લગાવવાની મહત્વની કમાન જ કાયમી અધિકારીના બદલે ચાર્જના ભરોસે ચાલી રહી છે. સરકાર પાસે એક કાયમી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ નથી.! તે સવાલ ઉઠયો છે.

ગુજરાતમાં લોકો પોતાના પરિવાર માટે જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદે છે, પરંતુ હવે થેલીમાં સામાન નહીં, ભેળસેળનો ખતરો ઘરે લઈ જઈ રહ્યાં હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જે ખોરાક માટે લોકો પરસેવાના પૈસા ખર્ચે છે, એ જ ખોરાક શુદ્ધ છે કે ઝેરી ભેળસેળથી ભરેલો છે, તેની કોઈ ખાતરી નથી. દૂધથી લઈને માવા-મીઠાઈ, ઘી, પનીર, મસાલા, ખાદ્યતેલ અને ગોળ સુધી ભેળસેળિયાઓએ બજારને નિશાન બનાવ્યું છે. હદ તો એ છે કે, જીવન રક્ષક ગણાતી દવાઓને પણ માફિયાઓએ છોડી નથી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, ભેળસેળ સામેની લડાઈનું નેતૃત્વ કેટલું મજબૂત છે? રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) જેવી મહત્વની સંસ્થાની કમાન પણ લાંબા સમય સુધી એક જ અધિકારીના એક્સટેન્શન પર ચાલી અને હવે નવા કમિશનરને ચાર્જ આપવામાં આવ્યો છે.

ગુજરાત FDCAના પૂર્વ કમિશનર ને તેમના કાર્યકાળ દરમિયાન સરકારે કુલ છ વખત એક્સટેન્શન આપ્યું હતું. સપ્ટેમ્બર 2025માં 7મા એક્સટેન્શનનો પ્રશ્રન સામે આવ્યો હતો, પરંતુ અંતે વધુ મુદ્દત ન મળતાં તેઓ પદ પરથી નિવૃત્ત થયા. તેમના સ્થાને ડૉ. રતનકુંવર ગઢવીચારણ, IASને FDCA કમિશનર તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. અહીં સવાલ કોઈ એક અધિકારીનો નથી. સવાલ એ છે કે, ગુજરાત જેવા મોટા રાજ્યમાં જ્યાં ખાદ્ય ભેળસેળનો વ્યાપ સતત ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યાં FDCA જેવી મહત્વની સંસ્થાને મજબૂત અને કાયમી નેતૃત્વ સાથે સતત કેમ ન ચલાવી શકાય? ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, ત્યારે રાજ્યના આરોગ્ય તંત્રમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર જેવી મહત્વની જવાબદારી પણ કાયમી અધિકારીના બદલે ચાર્જમાં ચાલી રહી છે. ભેળસેળના કહેર વચ્ચે એક મહિનામાં 46 ટન શંકાસ્પદ ખાદ્ય સામગ્રી ઝડપાઈ છે, ત્યારે ભેળસેળિયા તત્વો ભેળસેળ કરવાની જ હિંમત ન કરે, તેવો કડક કાયદો બનાવવાની અને કડક ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની નિમણૂક કરવી સમયની તાતી જરૂરિયાત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો