શિનોર તાલુકા ના મીઢોળ ગામે થર્મલ પાવર માટે જમીનસંપાદનની માપણી માટે ડીએલઆરમાંથી ટીમ આવેલ હતી. તેમને મીંઢોળ ગામના તમામ ખેડૂત પુત્રોએ જમીન માપણી કરતા રોક્યા હતા. જમીન આપવાની નથી, તેમ જણાવીને સંપાદનની કાર્યવાહી રોકવામાં આવે તેમ જણાવતાં જમીન માપણીની કાર્યવાહી રોકાઈ હતી. મામલતદાર શિનોર મુકેશ જે બારીયા તથા પ્રાંત અધિકારી કરજણ ચૌહાણે ખેડૂતોને આવીને સમજાવેલ, છતાં પણ ખેડૂતોએ માપણી થવા દીધેલ નથી. પછી માપણી ટીમ લીલા તોરણે પાછી ગયેલ હતી. મીઢોળ ગામના 94 ઉપરાંત ખેડૂતોએ સહીઓ કરીને અગાઉ વડોદરા જિલ્લા કલેકટર તથા કરજણ ખાસ જમીન સંપાદન અધિકારીને અરજીનો નિકાલ થયા વગર માપણી કરવી નહીં તેમ જણાવી આવેદનપત્ર આપેલ હતું. છતાં ખેડૂતોને જમીન સંપાદન અધિકારી દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા મીંઢોળ ગામમાં કોલસા આધારિત 2હ 800 મેગા વોટ સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદન કરવાની થતી હોય તેની માપણી કરવા તારીખ 27 નવેમ્બર 2026 ના રોજ 11 કલાકે ટીમ આવશે તેવી નોટિસ આપી હતી. તે નોટિસ સામે પણ તારીખ 26 નવેમ્બરે તમામખેડૂતોએ ભેગા થઈને મામલતદાર શિનોરને માપણી કરવી નહીં તેવું આવેદનપત્ર આપ્યું હતું. છતાં ખેડૂતોને વિશ્વાસનો લીધા સિવાય ફ્ળદ્રુપ જમીન જેના પર તેઓ વર્ષોથી ખેતી કરે છે, તેથી થર્મલ પાવર નો વિરોધ કરીને આજે માપણી કરવાઆવેલ ટીમને લીલા તોરણે પાછી કાઢી હતી.
