ડેસર અને ઘેલાપુરી સહિતના વિસ્તારમાંથી કુલ 7 ભેંસો અને બે પાડીની ચોરી થયાની બે અલગ-અલગ ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ છે. અંદાજે રૂા. 6.80 લાખની કિંમતનાં પશુની ચોરી થતાં પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. ડેસર પોલીસે ત્રણ તસ્કરને ઝડપી પાડયાં હતા. 24 સપ્ટેમ્બરે ઘેલાપુરી ગામના પશુપાલક મહેશ બાબુ પરમારની 4 ભેંસો પૈકી એકની ચોરી થઈ હતી. જે અંગે તપાસ કરતાં આસપાસના વિસ્તારમાં અન્ય પશુપાલકોની પણ 4 ભેંસ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, એક અન્ય પશુપાલકની બે પાડીની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમ, કુલ પાંચ ભેંસો અને બે પાડીની ચોરી થઈ હતી. જેની અંદાજિત કિં. રૂા. 4.80 લાખ થાય છે. પશુપાલકોએ 15થી 20 દિવસ સુધી શોધખોળ કરી હતી. પરંતુ પશુઓનો કોઈ પત્તો ન લાગતાં આખરે ડેસર પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી ઘટનામાં ડેસરના ગરાસિયા ફ્ળિયામાં રહેતા વિજય ઈબ્રાહીમ રાઉલની બે ભેંસો ગત તા. 31 ઓક્ટોબરના રોજ ડેસરની કૂપા તલાવડી પાસે ખેતરમાં બનાવેલા તબેલામાં બાંધી હતી. ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સો બંને ભેંસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પશુપાલકે છેલ્લા 15 દિવસથી વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ ભેંસોનો કોઈ પત્તો ન મળતાં ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બંને ભેંસોની કિંમત અંદાજે રૂા.2 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો