દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાંથી વાઘના શરૂ થયેલા પ્રવાસના પગલે વન વિભાગે તેના લોકેશનની શરૂ કરેલી શોધખોળનો સુખદ અંત આવતા વન વિભાગે રાહતનો દમ લીધો હતો. વાઘનું લોકેશન દાહોદથી છોટાઉદેપુરના કેવડી તરફ મળ્યું હતું. જેના પગલે છોટાઉદેપુર વન વિભાગ સતર્ક બની ગયું હતું. આ મહેમાનના આતિથ્યમાં કોઇ પણ જાતની ક્ષતિ રહી નજાય અને અતિથિ દેવો ભવઃનું સૂત્ર સાર્થક કરવા માટે છોટાઉદેપુરના વન વિભાગે કમરકસી છે. આ સાથે દાહોદનું વન વિભાગ દ્વારા પણ આ માટે સતત મદદ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત રાજયના દાહોદ જિલ્લાના રતનમહાલમાં ગત તા.22મી ફેબ્રુઆરી 2025ના રોજ વાઘ આવ્યો હતો. વાઘ આ વિસ્તારમાં રહેતો હોવાની વાત ઘણા સમય સુધી વન વિભાગે જાહેર કરી ન હતી. વાઘ કયા વિસ્તારમાં ફરે છે તેનું મોનીટરિંગ ચાલુ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ વાઘ હોવાથી ગભરાયા વિના કઇ રીતે તેનાથી દૂર રહેવું અને સ્વરક્ષણ કરવું તે સહિતની માહિતી આપી હતી. વાઘને કોઇ નુકસાન નહીં પહોંચાડવુ તેનો પીછો કે ફોટા વાયરલ કરવા નહી પણ સૂચન કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ગ્રામ્યજનો સાથે આ અંગે વારંવાર બેઠક પણ કરી હતી. વાઘને ભોજન મળે તે માટે સાંભાર અને ચિતર સહિતના પશુઓ છોડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીયછે કે, વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લામાં વાઘે દેખાદીધી હતી. જોકે 20 જ દિવસના ટૂંકા ગાળામાં વાઘનું મોત નીપજ્યુ હતું. વાઘનું મોત ખોરાક નહી મળવાના લીધે નીપજ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. જોકે એક વર્ષથી રતનમહાલ અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા વાઘ માટે તંત્ર દ્વારા વાઘને પુરતો ખોરાક મળી રહે તે માટેના પશુઓ છોડી રહ્યાં છે. જ્યારે પાણીની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત તેની સુરક્ષા માટે ટ્રેપ કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
દરમિયાનમાં વાઘે 17 મહિના ગુજરાતમાં ગુજાર્યા હતા. આ વાઘ રતનમહાલના આસપાસના વિસ્તારમાં નહીં દેખાતા આ વિસ્તારના લોકોને પણ ચિંતા થઇ હતી. જોકે વન વિભાગે પણ ટ્રેપ કેમેરાના ઉપયોગથી વાઘનું લોકેશન મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યાં હતા. આ દરમિયાન વાઘનું લોકેશન છોટાઉદેપુર અને દાહોદ વચ્ચે મળ્યું હતું. જેમાં છોટાઉદેપુર તરફ તે વધુ હોવાનું વન વિભાગના સૂત્રો તરફથી જાણવા મળે છે. આ અંગેના પુરાવા મળતા જ વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. આ સાથે છોટાઉદેપુર વન વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ પણ વાઘની સંભાળ માટે કમરકસી છે. હાલમાં ચાલી રહેલા ચોમાસાના લીધે છોટાઉદેપુર વન વિભાગ માટે એક મોટો પડકાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વાઘના વસવાટને 17 મહિના પૂર્ણ થયા પછી કાયમી વસવાટની સરકારી મહોર હજી સુધી વાગી નથી. આથી વન્યજીવ પ્રેમીઓ પણવાઘને ગુજરાતમાં કાયમી વસવાટ થયો હોવાની મહોર વાગે તેવુ ઇચ્છી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો