19
દાહોદ જિલ્લાના રતનમહાલ વિસ્તારમાંથી વાઘના શરૂ થયેલા પ્રવાસ પર વન વિભાગની સતત રહેલી નજરમાં વાઘને કયારેક વતન મધ્યપ્રદેશ યાદ આવી જતું હોય તેમ તે મધ્યપ્રદેશમાં પણ આંટો મારી આવે છે. રાજય માટે સારા સમાચાર એ છે કે તે મધ્યપ્રદેશમાંથી થોડા સમયમાં જ તે પરત રતનમહાલ તરફ આવી જાય છે. વાઘનું પ્રયાણ જ્યારે મધ્યપ્રદેશ તરફ થાય છે ત્યારે વન વિભાગ પણ સતત સતર્ક રહે છે અને આ મોંઘેરા મહેમાન પરત આવે તેની ચાતક નજરે રાહ જોવામાં આવતી હોવાનું પણ જાણવા મળે છે.
ગુજરાત રાજયના દાહોદ જિલ્લાના રતનમહાલમાં ગત તા.22મી ફેબ્રુઆરી 2025ના રોજ વાઘ આવ્યો હતો. વાઘ આ વિસ્તારમાં રહેતો હોવાની વાત ઘણાં સમય સુધી વન વિભાગે જાહેર કરી ન હતી. વાઘ કયા વિસ્તારમાં ફરે છે તેનું મોનિટરિંગ ચાલુ કર્યું હતું. આ ઉપરાંત આસપાસના ગામના લોકોને પણ વાઘ હોવાથી ગભરાયા વિના કઇ રીતે તેનાથી દૂર રહેવું અને સ્વરક્ષણ કરવું તે સહિતની માહિતી આપી હતી. વાઘને કોઇ નુકસાન નહીં પહોંચાડવું તેનો પીછો કે ફોટા વાઈરલ કરવા નહીં તેવું પણ સૂચન કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ગ્રામ્યજનો સાથે આ અંગે વારંવાર બેઠક પણ કરી હતી. વાઘને ભોજન મળે તે માટે સાંભાર અને ચિતલ સહિતના પશુઓ છોડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીયછે કે, વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં મહીસાગર જિલ્લામાં વાઘે દેખા દીધી હતી. જોકે 20 જ દિવસના ટૂંકા ગાળામાં વાઘનું મોત નીપજ્યું હતું. વાઘનું મોત ખોરાક નહીં મળવાના લીધે નીપજ્યું હોવાની વિગતો સપાટી પર આવી હતી. જોકે એક વર્ષથી રતનમહાલ અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા વાઘ માટે તંત્ર દ્વારા વાઘને પૂરતો ખોરાક મળી રહે તે માટેના પશુઓ છોડી રહ્યાં છે. જ્યારે પાણીની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે. આ ઉપરાંત તેની સુરક્ષા માટે ટ્રેપ કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. દરમિયાનમાં વાઘે 19 મહિના ગુજરાતમાં ગુજાર્યા હતા. આ વાઘ રતનમહાલના આસપાસના વિસ્તારમાં નહીં દેખાતા આ વિસ્તારના લોકોને પણ ચિંતા થઇ હતી. જોકે વન વિભાગે પણ ટ્રેપ કેમેરાના ઉપયોગથી વાઘનું લોકેશન મેળવવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યાં હતા. જયારે વાઘને જાણે કે, વતન યાદ આવી ગયું હોય તેમ તે મધ્યપ્રદેશ તરફ જતો રહે છે. જો કે, ટૂંક સમયમાં તે રતનમહાલ તરફ પરત આવી પણ જાય છે. આમ હાલ વાઘના આંટાફેરા રતનમહાલ થી મધ્યપ્રદેશ તરફના રહેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ વાઘનું લોકેશન છોટાઉદેપુર અને દાહોદ વચ્ચે મળ્યું હતું. જેમાં છોટાઉદેપુર તરફ તે વધુ હોવાનું જાણવા મળ્યું હતું.વાઘની સંભાળ માટે વન વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા ચોમાસાના લીધે વન વિભાગ માટે એક મોટો પડકાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વાઘના વસવાટને 19 મહિના પૂર્ણ થયા છે. આવતીકાલ તા.2 થી 8 ઓકટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાઘનું પણ વિશેષ ધ્યાન રેન્જના વન વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો