વાઘોડિયા નગરમાં છેલ્લા એક સપ્તાહથી દિવાળીના તહેવારોમાં મંદીનો માહોલ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી જીઆઇડીસી એસ્ટેટ તેમજ ખાનગી કંપનીમાં બોનસનું વિતરણ થતાં બજારમાં ઘરાકી જોવા મળતી હતી. છેલ્લા બે દિવસથી બજારોમાં ધૂમ ખરીદી જોવા મળતી હતી. ત્યારે આજે કાળી ચૌદસના દિવસે વાઘોડિયા ના બજારો ગ્રાહકોથી ચિક્કાર જોવા મળતા હતા. સવારના 10 વાગ્યાથી લઈને મોડી રાત સુધી બજારો ચાલુ રહ્યા હતા. નગરજનોએ ઉત્સાહપૂર્વક દિવાળી મનાવવા માટે મોંઘવારીને ભૂલી જઈને ધૂમ ખરીદી કરી હતી. વાઘોડિયા નગરના જયઅંબે ચાર રસ્તા ગાંધી ઉદ્યાન બાગ પાસે લાઇબ્રેરી ચાર રસ્તા પાસે જૂની પોસ્ટ ઓફ્સિ પાસે તેમજ ખંધારોડ ઉપર નાગરિકોએ જીવન જરૂરી ચીજોની ધૂમ ખરીદી કરી હતી. ખાસ કરીને રેડીમેડ કપડા તેમજ પગરખા ઘરની સજાવટનો સામાન મીઠાઈવાલા, દારૂખાનાવાળાને ત્યાં પણ નગરજનોએ ધૂમ ખરીદી કરી હતી. આમ જીઆઇડીસી એસ્ટેટમાં તેમજ ખાનગી કંપનીઓમાં કામદારોને બોનસનું વિતરણ થતાં તેની અસરને લઈને બજારમાં ખરીદી જોવા મળતી હતી. એક સમયે વેપારીઓ પાસે વાત કરવાનો સમય પણ હતો નહીં. આમ છેલ્લી ઘડીની દિવાળીની ઘરાકી બજારમાં નીકળતા વેપારીઓ ખુશ જોવા મળતા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો