વડોદરામાં પ્રેમસંબંધની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં સાથે જિંદગી વિતાવવાની કસમો ખાધેલી યુવતીએ જ પોતાના મંગેતરને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક રીતે સામાન્ય મૃત્યુ લાગી રહેલા આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
સચિન અને રેખા વચ્ચે પ્રેમસબંધ
છોટાઉદેપુર જિલ્લાના રોઝકૂવા ગામનો 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી સચિન પણ તેની સાથે રહેવા આવ્યો હતો.
સચિનને રેખાને લઈને અન્ય સંબંધની શંકા હતી
મળતી માહિતી મુજબ, 29 ડિસેમ્બરના રોજ સચિનને રેખાને લઈને અન્ય સંબંધની શંકા હતી, જેને લઈ બંને વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન રેખાએ લગ્ન કરવાની ના પાડી હતી. સચિને આ બાબતની જાણ પોતાના પિતાને ફોન દ્વારા કરી હતી. ત્યારબાદ સચિન ઊંઘી ગયો હતો.
પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
રાત્રિ દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બાદમાં તેણે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ સચિન ઊંઘમાંથી ન ઊઠતો હોવાની વાત કરી હતી. સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
યુવતીએ ત્રણ દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી
શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુને પગલે સચિનના પિતા ગણપતભાઈએ મંગેતર રેખા પર શંકા વ્યક્ત કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળતા પોલીસને હત્યાની શંકા મજબૂત બની હતી. પોલીસે ઊલટતપાસ હાથ ધરી હતી, જેમાં યુવતીએ ત્રણ દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું બહાર આવ્યું હતું. હાલ મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો---- Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ