પાદરા તાલુકાના માસરરોડ ગામે વર્ષો જૂના રણછોડજી મંદિરે દેવઉઠી અગિયારસના પાવન અવસરે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ તુલસી વિવાહનો લ્હાવો લીધો હતો. કારતક સુદ અગિયારસથી માંગલિક પ્રસંગોનો પ્રારંભ થાય છે. ત્યારે માસરરોડના રણછોડજી મંદિરે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક વિધિઓ સાથે ઉત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં મંગળા આરતી, ભગવાનનો વિશેષ શણગાર, આરતી, મંડપ મુહૂર્ત અને મોસાળાની વિધિ યોજાઈ હતી. ત્યારબાદ બેન્ડવાજા સાથે ભગવાનની ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. ગામમાં પાલખીની ઘરેઘર પધરામણી કરવામાં આવતાં સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. જે પ્રસંગે ઠાકોરજી પક્ષેથી ભાઈલાલ ચતુર પઢિયાર, તુલસી પક્ષેથી સંજય ભરતસિંહ પરમાર (સદગુરુ એગ્રો) તથા મોસાળ પક્ષેથી અરવિંદ જાદવ પટેલે સેવા અને ધાર્મિક વિધિનો લાભ લીધો હતો. પાલખીનો લાભ કુંતલ ગાંધી, પાછળની પાલખીનો લાભ ભગવતી ટેલર અને મનુભાઈએ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો