શહેરમાં આજે સોમવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે અનેકસ્થળોએ રસ્તાઓ પર પડેલા ખાડાઓ હવે ગણેશભક્તો માટે પડકાર બની રહ્યાં છે. ગણેશ વિસર્જન પહેલા તકેદારી રાખી રસ્તાઓનું પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તથા ગણેશ મંડળોના વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાના છે. આવી સ્થિતિમાં રસ્તા પરના ખાડાઓ જોખમ વધારી શકે છે. ખાસ કરીને જે માર્ગો પરથી ગણેશજીની વિસર્જન યાત્રાઓ પસાર થવાની છે, તે માર્ગોનું તાત્કાલિકનિરીક્ષણ કરી ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઊઠી છે. વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ જતાં તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે ટુ-વ્હીલરચાલકો માટે જોખમ વધી જાય છે.

આ સિવાય ગણેશોત્સવ દરમિયાન રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરવા નીકળતાં હોય છે, ત્યારે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને રસ્તાની ખરાબ સ્થિતિના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને સવારે અઢી ઈંચ જેટલો વરસાદ પડતાં અનેકસ્થળોએ રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ હતી અને અગાઉથી પડેલા ખાડાઓ પણ વધુ ઉઘાડા પડી ગયા હતા. તંત્રએ ખાડા પુરાણની કામગીરી હાથ ધરી હતી, પરંતુ દિવસ દરમિયાન થોડા સમયના અંતરે ઝરમર વરસાદ ચાલુ રહેતાં જોઈએ તેવી થઈ શકી ન હતી.

ગણેશ મંડળના આયોજકે જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશોત્સવનો માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા દરમિયાન રસ્તાના ખાડા કોઈ વિઘ્ન ન બને, તે માટે તંત્રએ હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવી જરૂરી બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો