શહેરની બહારથી પસાર થતાં ને.હા.નં-48 ઉપર અકસ્માતોની વણઝાર થોભવાનું નામ જ નથી લેતી, અવારનવાર સર્જાતા અકસ્માતને કારણે હાઈવે ઑથોરિટી દ્વારા કેટલાક બ્લેક સ્પોટ પણ જાહેર કરાયા છે, જ્યાં પોલીસ કર્મીઓની હાજરી હોવા છતાં પણ અકસ્માતો બંધ થતાં નથી. તેવામાં હાઈવે ઉપર દુમાડ ચોકડી અને પોર પાસે સર્જાયેલા બે અકસ્માતના બનાવમાં બે પુરુષના મોત નીપજ્યાં હોવાનું શહેર પોલીસ ચોપડે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ બનાવમાં, તરસાલી વિસ્તારમાં સાઈનાવ કૉમ્પ્લેક્ષમાં પરિવાર સાથે 67 વર્ષીય ઘનશ્યામભાઈ પરસોત્તમદાસ પંચાલ પોર પાસેની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા હતા. ગત તા.19મીએ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં કંપનીમાંથી નીકળીને પોર ખાતે આવેલા વિશ્વકર્માના મંદિરે દર્શન કરવા જવા માટે નીકળ્યાં હતા. દરમિયાન સુરતથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે ઘનશ્યામભાઈને અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર ગંભીર રીતે ફંગોળાયા હતા. અકસ્માતને કારણે રાહદારીઓ મદદ અર્થે દોડી આવતા ઘનશ્યામભાઈને સારવાર માટે ખસેડયાં હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કપુરાઈ પોલીસ મથકે કરાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.










