ડેસર તાલુકાના ઉદલપુર અને જાનીપુરાના સરપંચ પુર્વ સરપંચ અને ગ્રામજનો દ્વારા BD પટેલ ક્વૉરી માઈન્સમાં ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે ભારે વિરોધ નોંધાવી તંત્રને લેખિત રજૂઆત કરી હતી.
ગ્રામજનોએઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખતરનાક બ્લાસ્ટિંગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં કંપન અનુભવાય છે, તેના કારણે જાનીપુરા અને ઉદલપુરના ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
ઉદલપુર સરપંચ નિતેશ ચારણ, પૂર્વ સરપંચ મુકેશ પટેલ, ડેસરના પૂર્વ સરપંચ દલપતસિંહ પરમાર સહિત ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, સતત બ્લાસ્ટિંગથી રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા છે. પાણીની ટાંકી, શાળા અને અન્ય જાહેર મિલકતોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ હતી. જાનમાલને નુકસાન થવાની આશંકા વચ્ચે બ્લાસ્ટિંગનું કામ તાત્કાલિક બંધ કરાવવા તેઓ દ્વારા માંગણી કરાઇ હતી. રજૂઆતમાં સ્થળની સરકારી માપણી અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારની બ્લાસ્ટિંગ પ્રવૃત્તિ રોકવાની માંગ કરાઇ હતી. સાથે જ ATR સહિત જરૂરી મંજૂરી, ખનન પ્રક્રિયા અને પર્યાવરણીય નિયમના પાલનની તપાસ કરવા તંત્રને અનુરોધ કરાયો હતો. બ્લાસ્ટિંગના કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી સંબંધિત વિભાગો દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા માંગ કરાઇ હતી. આ વિકટ સમસ્યા અંગે ડેસર મામલતદાર, ડેસર પોલીસને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો