આજે યલો એલર્ટની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં સવારના ઝાપટા સિવાય દિવસભર ઉઘાડ નીકળતા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ વડોદરા જિલ્લામાં હાલત કફોડી બની હતી. જિલ્લામાં વરસાદ વચ્ચે નદીઓના પાણીનુ લેવલ વધતા તેમજ દેવ ડેમમાંથી પાણી છોડાતા વાઘોડિયા, પાદરા, કરજણ, ડભોઈ, સાવલી સહિતના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા હતાં. જેથી 20 જેટલા મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા હતાં. બીજી તરફ પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત 350 લોકોનું રેસ્કયૂ કરાયું હતું.
ભારતીય હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કરેલુ હતુ. જે દરમિયાન શહેરમાં સવારે છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા બાદ આખો દિવસ ઉઘાડ રહ્યો હતો અને ક્યારેક ક્યારેક રીમઝીમ વર્ષા થતી રહેલી હતી. પરંતુ એકંદરે દિવસ કોરો રહ્યો હતો. જેથી કોર્પોરેશને રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાયેલા હતાં ત્યાં તંત્ર કામે લાગેલુ હતુ.
આજે શિનોર તાલુકામાં બે ઈંચ અને ડભોઈ તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાયના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ત્યારે બીજી તરફ, દેવ ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલાયા હતા અને પાણી છોડાતા દેવ નદીમાં પાણીનુ સ્તર વધ્યુ હતુ. જેથી વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 17 ગામો પ્રભાવિત થયા હતાં. તેમજ રોડ-રસ્તાઓ તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર ત્રણ-ત્રણ ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાયો હતો.
વરસાદના પગલે ઢાઢર નદી, વિશ્વામિત્રી નદી અને જામ્બુવા નદીમાં પણ પાણીનુ સ્તર વધ્યુ હતુ. જેથી ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. લોકો સંપર્ક વિહોણા થયા હતાં. પાદરા, કરજણ, ડભોઈ, સાવલી, વાઘોડિયા સહિતના જિલ્લાના વિસ્તારોમાં પાણી જ પાણી ભરાયા હતા અને 20 જેટલા રસ્તાઓ લોકોને અવર જવર માટે બંધ કરી દેવાયા હતાં. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસેથી તો જામ્બુવા અને દેવ નદી બન્ને પસાર થતી હોઈ ત્યાં હાલત વધુ કફોડી બની હતી. ત્યાં રસ્તાઓ પર 3 થી 4 ફૂટના પાણી ભરાઈ ગયા હતાં. તેમજ ઘણા બધા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતાં. પીપળીયાની સુમનદીપ વિદ્યાપીઠ સંકુલમાં પણ પાણી ભરાયા હતાં. જેમાં હોસ્ટેલમાં ઘૂંટણસમા પાણી ભરાતા 150 જેટલા વિદ્યાર્થીઓનુ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરાયુ હતુ. આવી જ રીતે, ઢાઢર નદીમાં પાણી ફરી વળતા તતારપુરામાં ફસાયેલા 15 લોકોનુ રેસ્ક્યૂ કરાયુ હતુ અને તેમને પણ સહીસલામત સ્થળે શિફ્ટ કરાયા હતાં. આવી જ રીતે, ડભોઈ તાલુકામાં રાજલી અને બહેરામપુરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધતાં 185 ગ્રામજનોનુ શિફ્ટીંગ કરાયું હતું. એકંદરે આજે વરસાદી પાણીએ ધમરોળી નાખ્યુ હતુ. હવે, આવતીકાલે તા.2 ઓગસ્ટે યલો એલર્ટની આગાહી જારી છે અને તે દરમિયાન સરેરાશ 40 થી 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે સામાન્ય વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. જોકે, રેડ એલર્ટમાંથી વડોદરા બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધેલો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો