છોટાઉદેપુર તાલુકા-જિલ્લાના રાઠ વિસ્તારના રંગપુર સઢલી ગામના વતની દેસિંગભાઈ ચિલિયાભાઈ રાઠવા આજે પરિવારની લગભગ ચોથી પાંચમી પેઢીએ આદિવાસી સમાજની પવિત્ર ચિત્રકારી પીઠોરો લખવાનો વારસો આગળ ધપાવે છે. હાલ તેમનો 10માં ધોરણમાં ભણતો પુત્ર બાબા પીઠોરાની આરાધના જેવી આ ચિત્રકારીના પાઠ ભણીને પરિવારનો વારસો સાચવવા તૈયાર થઈ રહ્યો છે.
દેસિંગભાઈને તેમનો પરિવાર આ બાબા પીઠોરાની સાધના તેમના પિતા સ્વ. ચિલિયાભાઈ એમના પિતા પાસેથી અને એમના પિતાએ એમના પિતા પાસેથી આ પવિત્ર પીઠોરા લેખન કલા શીખી હતી. એટલે કે, એમના કુટુંબમાં પેઢી દર પેઢી આ કલા ઊતરી છે. તાજેતરમાં દેસિંગભાઈની ગુજરાતના રાજ્યના કુટિર ઉદ્યોગના ઉપક્રમે હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોના સન્માનની યોજના હેઠળ મધ્ય ઝોનમાં પ્રથમ ક્રમે પસંદગી થઈ હતી. તેમને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શાલથી નવાજાયા છે. 9મી ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ આદિવાસી કલા કારીગરીનું સન્માન આનંદની ઘટના ગણાય.
