વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. જોકે, તંત્ર અત્યાર સુધી આ બાબતે આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યુ છે. પરંતુ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ વિસ્તારોની મુલાકાત લેતા જ આખું તંત્ર સફાળું જાગ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી તેજ બની છે.
ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઇ
કોર્પોરેશનના વોર્ડ ઓફિસર અને સ્ટાફ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આક્રમક રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંગળ બજાર અને નવાપુરા જેવા સાંકડા રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કમિશ્નરની કડક સૂચના બાદ તંત્ર સફાળું જાગ્યુ અને સહેજ પણ આળસ કર્યા વગર આ ઓપરેશનને પાર પાડ્યુ હતુ.
