વડનગર ટાઉનમાં ભાલેસરાવાસથી ગુરુકુળ સર્કલ નજીકના રોડ પર રાત્રિના સુમારે મહેસાણા SOG ના સરકારી વાહન અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સરકારી વાહનની ટક્કરથી રિક્ષાચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે વડનગર સિવિલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વડનગર પોલીસે સરકારી વાહનના નંબરના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડનગરના ભાલેસરાવાસમાં રહેતા મહેશજી ઈશ્વરજી ઠાકોરે (ઉં.વ. 29) નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 22મીના રોજ રાત્રે આશરે 8.00 વાગ્યે તેમના નાના ભાઈ અમિતજી ઈશ્વરજી ઠાકોર (ઉં.વ. 28) ઘરેથી ઓટો રિક્ષા (નં.GJ-02-TT-4738) લઈને ભેંસો માટે સાગરદાણ લેવા નીકળ્યા હતા. તે દરમિયાન ગુરુકુળ સર્કલ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા સરકારી SML ટેમ્પો (નં.GJ-18-GB-6818)ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અમિતજીને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન રાત્રે પોણા દસ વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વડનગર પોલીસે અકસ્માત સર્જનાર સરકારી પોલીસ વાહનના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષા રોડ નજીકના માટીના ઢગલા પર ચડી જતાં બેકાબૂ બની હતી અને બંદોબસ્ત પૂર્ણ કરી મહેસાણા પરત જઈ રહેલા મહેસાણા એસ.ઓ.જી.ના સરકારી વાહન સાથે અથડાઈ હતી. જોકે, અકસ્માતના સંજોગો અને કારણોની નિષ્પક્ષ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
