કરમસદ આણંદ મહાપાલિકાનો વિઝન 2047ના ભવિષ્યના વિકાસને ધ્યાને લઇને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ જાહેર કરવામાં આવતા ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજુરી મળ્યા બાદ આણંદ,વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, ગામડી અને લાંભવેલના વિકાસને નવી દિશા મળશે.ડ્રાફ્ટ ડીપીમાં લાંભવેલથી બાકરોલ-બાકરોલથી કરમસદ-કરમસદથી મોગરી-મોગરીથી જીટોડિયા ફરતે 45 મીટરના રિંગરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિકસિત ભારતના વિઝન 2047ને ધ્યાને રાખીને પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક ઝોન, ગામતળ, ગામતળ રીઝર્વ, ઔદ્યોગીક ઝોન, નોલેજ અને ઇન્સ્ટિટયુશન ઝોન, પબ્લિક પર્પઝ ઝોન, એગ્રીકલ્ચર-ગ્રીન ઝોન, મનોરંજન ઝોન, ગ્રીન બફર ઝોન, લોજીસ્ટીક ઝોનનું આયોજન કરવામાં આવ્યુ છે. અલગ અલગ ઝોનમાં સમગ્ર મહાપાલિકાના શહેરી ગ્રામ્ય વિસ્તારને આવરી લઇને ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. રીંગરોડ આણંદ, વિદ્યાનગર અને ગામડીમાંથી પસાર થતો નથી. જ્યારે મહાપાલિકાના બોર્ડર ટેરેટરીમાંથી 45 મીટરના રીંગરોડનું આયોજન કરાયુ છે. પ્રથમ મહાપાલિકાના ડી.પીમાં પ્રથમ વખત આણંદ જિલ્લો એજ્યુકેશન હબ ગણાતો હોય આણંદ કૃષિ યુનિવર્સિટી, ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ -ઇરમા, એનડીડીબી સહિતના વિસ્તારને નોલેજ અને ઇન્સ્ટિટયુશનલ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ કરમસદ, વિદ્યાનગર અને મોગરીના કેટલાક વિસ્તારમાં ઔદ્યોગિક ઝોન પર્પોઝ કરવામાં આવ્યો છે. આણંદ- વિદ્યાનગર- કરમસદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અને કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને 8 સપ્ટેમ્બરના રોજ મળેલી સત્તા વિકાસ મંડળની 34 મી બોર્ડ બેઠકમાં ઠરાવ નંબર 6 થી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની કલમ 13 (1) હેઠળ તેમજ ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ નિયમો 1979 ના નિયમ 5 મુજબ વિઝન 2047 ને લઇને વિકાસ યોજનાની દરખાસ્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારનો જુદા જુદા ઝોનીંગ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અવકુડાની કચેરી ખાતે નકશો જાહેર કરવામાં આવતા જ મિલકત ધારકોએ પોતાની મિલકત કયા ઝોનમાં આવી છે. તે જોઇને 39 મિલકત ધારકોએ ડ્રાફ્ટ ડીપીમાં વિસંગતાને લઇને વાંધા અરજીઓ રજુ કરી છે. 60 દિવસમાં વાંધા અરજીઓ રજુ કરવા માટે મિલકત ધારકોને તક આપવામાં આવી છે. જો કે ડ્રાફ્ટ ડીપીમાં ગ્રીન ઝોનને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. જ્યારે પ્રથમ વખત નોલેજ અને ઇન્સ્ટિટયુશનલ ઝોન રાખવામાં આવ્યો હોય અજ્યુકેશન ક્ષેત્રે વિપુલ તકો ઉભી થશે. તેમજ આંતરીક માર્ગોની પહોળાઇ વધારવામાં આવતા આવનાર સમયમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે.
