ચરોતરમાં શનિવારે કાળીચૌદશ પ્રવ નિમિતે હનુમાનજી, શનૈશ્વર, કાળભૈરવ, મહાકાળી માતાના મંદિરોમાં વિશેષ પુજા-અનુષ્ઠાન, યજ્ઞ-યાગના કાર્યક્રમોમાં ભાવિક શ્રદ્ધાળુઓનો શ્રદ્ધા-ઉત્સાહભાવ વર્તાયો હતો. જોગાનુજોગ સંવત 2082 ના અંતિમ દિવસોમાં કાળીચૌદશ શનિવારે આવતા મંદિરોમાં પૂજા અર્ચનના ખાસ આયોજનો હાથધરાયા હતા.જેમાં લાંભવેલ હનુમાનજી મંદિર, આણંદના રોકડિયા દેવ હનુમાનજી મંદિર, નડિયાદના બાલા હનુમાન, કષ્ટભંજન દેવ સહિતના મંદિરોમા વિશેષ અનુષ્ઠાન, મારૂતિયજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, અન્નકુટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કેટલાક ઉપાસકો દ્વારા મહાકાળી, કાળભૈરવ તેમજ સ્મશાનમાં સિદ્ધિ પ્રાપ્તિ માટે ઉપાસના કરી હતી. ત્યારે આજે રંગોળી-ઉજાસના પર્વ દિવાળીએ દિપમાળ, આતશબાજી, મિષ્ટાનોના ભોજન થકી શ્રદ્ધા-ઉમંગભેર ઉજવણી કરાશે. હિન્દુ ધાર્મિક સંસ્કૃત્તિમા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ ઉપર વિજય હાંસલ કર્યા બાદ પ્રભુ શ્રી રામના અયોધ્યામાં પ્રવેશ ટાણે નગરવાસીઓએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે કરેલી દિપમાળ, આતશબાજીના કથાનક સાથે સંકળાયેલા દિપાવલી પર્વની ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામા આવતી હોઇ આજે દિવાળી પર્વે ચરોતરમા શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસનો આવિર્ભાવ વર્તાઇ રહેશે. અંધકાર ઉપર ઉજાસના પર્વ દિપાવલીને લઇને રહીશો, ગૃહિણીઓ બ્રાહ્મમુર્હુતમાં ઉઠીને શુભ-સ્ત્રોતો, સ્તવનો સાથે દેવદર્શન-પુજનનો મહિમા વર્તાવશે. કેટલીક ગૃહિણીઓ ઘરઆંગણાને નયનરમ્ય રંગોળીથી સજાવી પર્વના મહાત્મ્યને ઉજાગર કરશે. તો બીજી તરફ ભુલકાઓ, યુવાનો અને ઉત્સવપ્રેમી રહીશો દ્વારા કરાતી આકર્ષક અને ગગનભેદી આતશબાજીથી દિપાવલીનુ મંગલ પ્રભાત ગુંજી ઉઠશે. રહેઠાણો, કેટલાક ખાનગી સંસ્થાનો ઉપર રોશની ઉપરાંત દિપમાળ આકર્ષણરૂપ બની રહેશે. આસ્થાળુઓ દ્વારા દિવસભર દેવદર્શન, ગરીબ, ભિક્ષુકોને અન્નદાન, વસ્ત્રદાન સહિત રોકડ રકમનુ દાન ઉપરાત ગાય-શ્વાન સહિતના અબોલ પ્રાણીઓને નિરણ-ભોજન કરાવી પુણ્યનો આવિર્ભાવ વર્તાવશે. પર્વને લઇને અમુક સ્થળોએ લોકમેળા, પરંપરાગત ધાર્મિક ઉત્સવો, સાંસ્કૃત્તિક કાર્યક્રમો પણ યોજાશે. દિપમાળ, રંગોળી, ભવ્ય આતશબાજી સહિત કેટલાક રહીશો દ્વારા નવા વસ્ત્રો, આભુષણો પરિધાન કરી પોતાના સગા-સ્નેહી, સખી, મિત્રોને ઉમળકાભેર મળી દિપાવલી પર્વની શુભકામના પાઠવશે. મધુર મિષ્ટાનો સહિત દિપાવલી પર્વે વિશેષ ચલણ ધરાવતા મઠીયા, સુંવાળી, ચોળાફળી સહિત વિવિધ પ્રકારના નાસ્તા, ખાદ્ય વ્યંજનો આરોગી પર્વની મહત્તાને ઉજાગર કરશે.
