આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત એચ.જે.પરીખ હાઇસ્કૂલ ખાતે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજીને સંવાદ સાધ્યો હતો. રાત્રિસભા પૂર્વે ગામના અનુસુચિત જાતિ પરિવારના અશોકભાઇના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમણે સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અને પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. રાત્રિસભામાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે સમાજમાં સૌ બાળકોને સમાન શિક્ષણ અને આગળ વધવાની પુરતી તકો આપવી જોઇએ. વાલીઓએ બાળકોની ટેવો ઉપર સતત નજર રાખવી જોઇએ અને તેમના મિત્ર બનીને તેમને સાચુ ખોટુ તથા નૈતિક મૂલ્યો શિખવવા જોઇએ. બાળપણથી મેળવેલા સારા સંસ્કારો અને યોગ્ય માર્ગદર્શનથીજ શ્રેષ્ઠ અને સક્ષમ નાગરીકનું નિર્માણ સક્ષમ બને છે. સમાજમાં જ્ઞાતિ કે અન્ય કોઇપણ જાતના ભેદભાવ ભુલીને માત્ર પરસ્પર પ્રેમ, સંપ અને સ્નેહથી રહેવુ જોઇએ, દરેક વ્યક્તિએ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવું જોઇએ તેમજ દરેક જીવ અને પ્રાણી માત્ર પ્રત્યે આદર અને સન્માનની ભાવના રાખવી જરૂરી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે રાજ્યપાલે માર્ગદર્શન આપ્યુ હતું. આવનારી પેઢીને સમૃદ્ધ અને રોગમુક્ત ભવિષ્ય આપવા માટે જરૂરી શુદ્ધ જમીન, પાણી, પર્યાવરણ અને જનઆરોગ્યની જાળવણી અર્થે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મુક્યો હતો. દેશી ગાય આધારિત ખેતીથી ખર્ચ ઘટે છે અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને અવરોધો અંગે પણ તેમણે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. રાત્રિસભામાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
