ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હી સ્થિત સંસદ ભવન પરિસરમાં કોરિયા ગણરાજ્ય (દક્ષિણ કોરિયા)ના સંસદીય પ્રતિનિધિ મંડળના સન્માનમાં વિશેષ મધ્યાહન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે બંને દેશોના જનપ્રતિનિધિઓ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ અને ફ્ળદાયી સંવાદ યોજાયો હતો. આ બેઠકમાં દક્ષિણ કોરિયાના સાંસદો કિમ જુંગ હો (અધ્યક્ષ - જળવાયુ, ઊર્જા, પર્યાવરણ અને શ્રમ સમિતિ), મૂન જ્યોંગ બોક, શ્રી કાંગ સેઉંગ ક્યુ તથા સુ લી જૂ યંગ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસદીય સહયોગ, ટેક્નોલોજી ટ્રાન્સફર, રોકાણ અને નવીનતા (ઈનોવેશન) જેવા વૈશ્વિક મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વડાપ્રધાનના દૂરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. આ સંદર્ભમાં વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આધુનિક ટેક્નોલોજીના આદાન-પ્રદાન તેમજ બંને દેશો વચ્ચે ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા અંગે સકારાત્મક વિચાર-વિમર્શ થયો હતો. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ, પ્રતિભા અને વિશાળ ક્ષમતાઓ સાથે દક્ષિણ કોરિયાની અદ્યતન ટેક્નોલોજી અને નિપુણતાનો સમન્વય બંને દેશો માટે વિકાસની નવી તકોનું સર્જન કરશે. આ સહયોગથી રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિના નવા દ્વાર ખુલશે. આ સંવાદ બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહનરૂપ સાબિત થશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
