માં આદ્યશક્તિ અંબાના આસ્થાધામ અંબાજીમાં પ્રતિ વર્ષે ભાદરવી અગિયારસ-પુનમના દર્શન-હવન, ધજા ચઢાવવાના મહાત્મ્યને લઇને ચાલુ વર્ષે પણ ચરોતરના માર્ગો ઉપરથી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે પદયાત્રિકોનુ પ્રસ્થાન સાથે રાજસ્થાનના જુના રણુજા ખાતે રામદેવપીરના સ્થાનકમાં ભાદરવી નોમ-દશમના ઉત્સવમાં પણ સ્થાનિક અનેક લોકોએ ભાગ લીધો હતો. જો કે કેટલાક સંઘો અંબાજી નજીક પહોંચીને કેમ્પોમાં આશરો લીધો છે. 26 મી સપ્ટેમ્બરને શનિવારે ભાદરવી પૂનમે રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં માં અંબાના દર્શન કરવા લોકોની ભીડ ઉમટશે. આણંદ-ખેડા જિલ્લા સહિત વડોદરા, દક્ષિણ ગુજરાતના ભાવિકજનો પ્રત્યેક વર્ષે ભાદરવી પુનમે અંબાજી ખાતે એકાદશી-પુનમના ઉત્સવો, હવન-પુજા તેમજ ધજા ચઢાવવાના મહિમાને લઇને પગપાળા સંઘો મારફતે અંબાજી જવા માટે પ્રયાણ કરતા હોય છે. વાસદ-આણંદ-નડિયાદના મુખ્ય માર્ગો તેમજ હાઇવે માર્ગો ઉપર ધાર્મિક સંઘોએ પગપાળા પ્રયાણ કર્યુ છે.જેમા લાઉડ સ્પીકરમાં ભજનધુનના સુરો વચ્ચે ધ્વજા,માતાજીના રથ સાથે નીકળેલા સંઘો દ્વારા માર્ગમાં ભાવિકોને પ્રસાદીનુ પણ વિતરણ કરવામા આવી રહ્યુ છે. સાથોસાથ રાજસ્થાન-મારવાડના યાત્રાધામ રણુજા તેમજ સૌરાષ્ટના નવા રણુજામાં રામદેવપીરના નોરતા-ઉત્સવમાં પણ લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો