વિદ્યાનગરની રાનક ગર્લ્સ હોસ્ટેલમાં ફુડ પોઇઝનિંગની ઘટના બાદ મનપાએ હોસ્ટેલનું કિચન સીલ કર્યુ હતું. ત્યાં જ બાકરોલ ખાતે આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલમાં ગત મોડી સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના હોદ્દેદારોએ સરપ્રાઇઝ વિઝીટ કરતા હોસ્ટેલના રસોડાની પોલ ખુલ્લી પડી છે. જેમાં સડેલા શાકભાજી અને એક્સપાયર્ડ થયેલા દુધનો જથ્થો મળી આવતા તંત્રની ઘોર બેદરકારી છતી થઇ છે. હોસ્ટેલ સંચાલક સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ સતત એસી ચેમ્બરોમાં બેસી રહેતા ફુડ વિભાગના અધિકારીઓની નિષ્ફળતા પણ સામે આવી છે. હોસ્ટેલના સંચાલકો અને ફુડ વિભાગના અધિકારીઓના પાપે વિદ્યાર્થીઓને બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ આરોગવાની નોબત આવી છે. નિયમિત અને સમાયંતરે તંત્ર દ્વારા ફરજિયાતપણે હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મેસ, હોસ્ટેલના રસોડાઓની ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સફાઇ મુદ્દે તપાસ હાથ ધરીને કસુરવારો સામે કડકરાહે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તંત્રના અધિકારીઓના ફરજના કામો હાલમાં નાછુટકે એબીવીપીના કાર્યકર્તા અને હોદ્દેદારોને કરવાની ફરજ પડી રહી છે. હોસ્ટેલમાં દુર દુરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે રહેતા હોય છે. તેઓના વાલીઓ સંતાનોના મસમોટા ફુડબીલ ચુકવીને નિવૃત બને છે કે તેઓના સંતાનને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે.

પરંતુ ફુડ વ્યવસાયને હોસ્ટેલ સંચાલકોએ નફાખોરી કરી દેતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે રીતસર ચેડા થતા હોવાની ફરિયાદો ઉઠી છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલના રસોડાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના હોદ્દેદારોએ સરપ્રાઇઝ વિઝીટ કરી રસોડામાં રાખવામાં આવેલા ખાદ્યપદાર્થોની ચકાસણી કરતા સડેલા બટાકા, ટામેટા અને કોબીઝ, એક્સપાયર્ડ ડેટનું દુધ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. બિનઆરોગ્યપ્રદ જથ્થો મળી આવતા છાત્ર સંગઠનોએ જવાબદારોએ જવાબદારો સામે સખ્તરાહે પગલા ભરવા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા માંગ કરી હતી.