વલસાડના સુઘડ ફળિયામાં રહેતા 23 વર્ષીય યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં
મુકાયો હતો. દરમિયાન તેણે બિલ્ડિંગના 13મા માળેથી કૂદકો મારી અંતિમ પગલું ભરી લેતાં ચકચાર મચી
ગઈ હતી. અંતિમ પગલું ભરતા પહેલાં યુવાને તેની ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો બનાવી તે
વીડિયોને પોસ્ટ પણ કર્યો હતો.
વલસાડના સુઘડ ફળિયામાં રહેતા માનવ રાજુભાઈ પટેલ (ઉં.વ. 23) વલસાડના શહીદ ચોક પાસે આવેલા મચ્છી
માર્કેટમાં બરફનું વેચાણ કરતો હતો. આર્થિક સ્થિતિ નબળી હોય, યુવાન ડોમિનોઝ પિઝામાં પાર્ટ ટાઈમ ડિલિવરી
બોય તરીકે પણ કામ કરતો હતો. માનવના પિતા રાજુભાઈનું એક વર્ષ અગાઉ અવસાન થતાં પરિવારની જવાબદારી માનવના માથે
આવી હતી. માનવને કોઈક કામ માટે લોન લીધી હતી. લોનના રૂ. 11 હજારના 4 હપ્તા હોય, તે સમયસર ચૂકવી નહિ શકતાં, માનવ તાણમાં રહેતો હતો. દરમિયાન રવિવારે બપોરે આશરે 1 વાગ્યે
વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઈટ્સ ખાતે પહોંચ્યો હતો. જે બાદ માનવ દમણગંગા નામની બિલ્ડિંગના
13મા માળે પહોંચી તેણે નીચે કૂદકો મારી દેતાં ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. કોઈક યુવાને પડતું મૂક્યું હોવાની જાણ
થતાં બિલ્ડિંગના રહીશો સહિતના આ વિસ્તારના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ્ ઘટનાની જાણ થતાં સિટી પી.આઈ. એચ.આર. વાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સિટી પોલીસે બિલ્ડિંગના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરતાં, માનવે 13મા માળેથી જાતે જ કૂદકો મારી, અંતિમ પગલું ભર્યું હોવાની વિગત સામે
આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં માનવે તેની ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો બનાવી, તે વીડિયો પોસ્ટ પણ કર્યો હતો. માનવે ભરેલા અંતિમ પગલાની ઝીણવટભરી
તપાસ કરવા, સિટી પોલીસે મૃતકનો મોબાઈલ ફેન તપાસ માટે કબજે લીધો છે. માનવના આકસ્મિક મોતના કારણે તેની વિધવા
માતાએ ઘડપણની લાકડી ગુમાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










