વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી શહેરમાં ફરી એકવાર લોહીયાળ જંગ ખેલાયો હોય તેમ એક સનસનીખેજ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં એક અજાણ્યા યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઇ
વાપીના ભડકમોરા વિસ્તારમાં આજે સવારે સ્થાનિક લોકોએ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકના મોઢા અને માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા ઝીંકીને તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. હત્યારાઓએ એટલી ક્રૂરતા દાખવી છે કે યુવકની ઓળખ છુપાવવા માટે ચહેરાને પણ ક્ષત-વિક્ષત કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે.













