રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 138મી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી વલસાડ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.

શિક્ષક દિવસ ઉજવણી અવસરે નાણામંત્રી સહિત મહાનુભાવોના હસ્તેજિલ્લા કક્ષાના 04 અને તાલુકા કક્ષાના 05 શ્રેષ્ઠ શિક્ષકોની સાથે જે તે શાળાના 09 આચાર્યો અને છેલ્લા ત્રણ વર્ર્ષથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ ધરાવતા 38 વિષય શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારતમાં રામાયણ અને મહાભારત કાળથી ગુરુનું મહત્વ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. એકલવ્ય એ દ્રોણાચાર્યનું પૂતળું બનાવી ધનુરવિદ્યામાં નિપુર્ણ બન્યા હતા. આજે પણ સમાજમાં શિક્ષકનો દરજ્જો સૌથી મોટો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા શિક્ષકોની પડખે રહી છે. શિક્ષકોના ઘણા પ્રોબ્લેમ સોલ્વ થયા છે અને બાકી રહેલા પ્રશ્નો પણ સોલ્વ થવાની તૈયારીમાં છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ બેઇઝડ શિક્ષણની પણ વાત કરવામાં આવી છે. આજે કોઈપણ સ્કિલ સામાન્ય નથી. જિલ્લા કલેકટર નીતિન સાંગવાને કહ્યું કે, શિક્ષકે પાયાનું જ્ઞાન આપવાની સાથે પોતાની સ્કિલ પણ વધારવાની જરૂર છે. એક શિક્ષક ઇમપ્રુવ થશે તો તેના દ્વારા હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પ્રાંત અધિકારી નીરવ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને અવની પટેલે કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો