વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટેશનના પ્લેટફોર્મ પર બે શખ્સો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે લોહિયાળ જંગ ખેલાઈ હતી. જાહેર સ્થળ હોવા છતાં બંને શખ્સોએ એકબીજા પર હિંસક હુમલો કરી મર્યાદા ઓળંગી હતી. આ સમગ્ર ઘટના ત્યાં હાજર કોઈ મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈને સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મારામારી કેસમાં તપાસ તેજ
વીડિયો વાયરલ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સક્રિય થઈ છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધારે મારામારી કરનાર બંને શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ અને જાહેર સ્થળે આ પ્રકારે કાયદાના ધજાગરા ઉડાડનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.
