દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની પ્રજા માટે સુરત ખાતે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ મેળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દક્ષિણ ગુજરાતના 8 સભ્યો દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ છે. જે માટેની રૂપરેખા તૈયાર કરવા તથા તમામના અભિપ્રાયો મેળવવા માટે ગતરોજ કામરેજ પાસેના એક રિસોર્ટમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં દ. ગુજરાતના લગભગ તમામ તાલુકા તથા તમામ જિલ્લાની કોર્ટમાં કાર્યરત તમામ બાર એસોસિયેશનમાંથી તમામ પ્રમુખો સાથે પાંચ-પાંચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે દક્ષિણ ગુજરાતના સુરત મુકામે હાઇકોર્ટની બેન્ચ મેળવવા માટે એક સુર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પી. ડી. પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતના ઘણા રાજ્યોમાં એકથી વધુ હાઇકોર્ટની બેન્ચ કાર્યરત છે જ. એ જ રીતે ગુજરાતના પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં ચાર, મધ્યપ્રદેશમાં બે અને રાજસ્થાનમાં બે હાઇકોર્ટની બેન્ચ કાર્યરત છે. હાલમાં ગુજરાતમાં અમદાવાદ મુકામે હાઇકોર્ટ આવી છે. આથી મહારાષ્ટ્રની હદને લાગુ ઉમરગામ તથા કપરાડા સહિતના દ.ગુજરાતની જનતાને ન્યાય મેળવવા અમદાવાદ સુધી જવું પડે છે. સરકારનો અભિગમ છે કે લોકોને ઘરઆંગણે ન્યાય મળે. તે હેતુથી પણ સુરત મુકામે હાઇકોર્ટની બેન્ચ સ્થાપિત થાય તો દ.ગુજરાતની જનતાને ન્યાય મેળવવા માટે છેક અમદાવાદ સુધી જવું નહીં પડે. સંકલન સમિતિની બેઠકમાં આહવા-ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાના તમામ જિલ્લા-તાલુકા બાર એસોસિયેશનના પ્રમુખો એમે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
