સલવાવની બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આઈક્યુએસી અને આઇઆઇસી તેમજ વલસાડના સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા દિવસ-2026 નિમિત્તે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. રાજેશ્રી ટંડેલ, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિવિશેષ ડૉ. એ. કે. સિંહ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓ તરીકે ડૉ. સીમા ટી. ગાલા, ઉદ્યોગ સાહસિક કુણાલ તયાલ, વિકાસ રવીન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા, નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વના મહત્ત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વંદના જૈન, પ્રીતિ ગાંધી, રાજેન્દ્ર ગર્ગ અને મનીષા ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીના વિકલ્પોથી આગળ વધીને નવી તકોને ઓળખવા, સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા તથા પોતાના વિચારોને સફળ ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના આયોજનમાં સીમા ભટ્ટાચાર્યનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સેમિનારમાં વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
