ઉમરગામ તાલુકામાં થયેલા ભારે વરસાદ તેમજ પડોશી મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિની સીધી અસર હવે સ્થાનિક દરિયાકિનારે જોવા મળી રહી છે. મેઘરાજાએ વિરામ લીધા બાદ તાલુકાના વિવિધ દરિયાકિનારાઓ પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવી પહોંચ્યો છે. હાલ ઉમરગામના દરિયા કિનારે પ્લાસ્ટિકનો કચરો, ઘરગથ્થુ વપરાશની ચીજવસ્તુઓ સહિત વિવિધ પ્રકારની ગંદકી જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાંથી વહેતો કચરો દરિયામાં પહોંચ્યા બાદ દરિયાનાં મોજાં તેને ફરી કિનારે ધકેલી રહ્યા છે. જેના કારણે દરરોજ સવારે મોર્નિંગ વોક માટે આવતા લોકો, સ્થાનિક રહીશો તેમજ સહેલાણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંદકીને લીધે દરિયાકિનારાની સ્વચ્છતા અને કુદરતી સૌંદર્ય પણ જોખમાયું છે. આમ તો દરિયાકિનારાની સુંદરતા જળવાઈ રહે તે માટે અનેક સામાજિક સંસ્થાઓ નિયમિત રીતે સફાઈ ઝુંબેશ ચલાવે છે, પરંતુ ચોમાસા બાદ આટલી પ્રચંડ માત્રામાં એકઠા થયેલા કચરાનો નિકાલ કરવો સ્વૈચ્છિક સંસ્થાઓ માટે એકલા હાથે શક્ય નથી. આથી, સંબંધિત સરકારી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરીને આ કચરાનો તાત્કાલિક નિકાલ કરે તેવી માગ પ્રબળ બની છે, જેથી દરિયાકિનારો ફરી સ્વચ્છ બને અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય.
