વલસાડના કૈલાસ રોડ વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નબીરાએ પોતાની કાર બેફામ ગતિએ હંકારીને રસ્તા પર પાર્ક કરેલા અને પસાર થતા આશરે ૪ જેટલા વાહનોને અડફેટે લઈને કચ્ચરઘાણ વાળી દીધો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ ઘરમાં છુપાયો ચાલક

રાત્રિના સમયે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની સ્પીડ ખૂબ જ વધારે હોવાનું સ્પષ્ટ દેખાય છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક યુવક જવાબદારી સ્વીકારવા કે ઉભા રહેવાના બદલે ભાગી છૂટ્યો હતો અને નજીકમાં જ આવેલા પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયો હતો.

લોકોના ટોળાએ ઘરને ઘેર્યું

ચાલકની આ હરકતથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકના ઘરની બહાર જમાવડો કરી ઘરને ઘેરી લીધું હતું. લોકો નબીરાને બહાર કાઢવા અને તેની સામે કડક પગલાં લેવાની માંગ સાથે હોબાળો મચાવી રહ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: આજે ગરમીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, ઉકળાટ આપશે અગનગોળા જેવા અહેસાસ