વલસાડમાં શુક્રવારે ભારે વરસાદથી એમ.જી. રોડ તથા નાની ખત્રીવાડના સેંકડો દુકાનદારોને લાખોનું નુકસાન થયું હોવાને લઈને વેપારીઓમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળ્યો છે. આ તારાજી કુદરતી નહીં પણ માનવસર્જિત છે એ સૌ કોઈ સ્વીકારી રહ્યા છે, પણ જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. જેનો ભોગ સામાન્ય પરિવારો બની રહ્યા છે. વરસાદી પાણી ઓસરી ગયાં બાદ હવે ઠેકઠેકાણે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. પાલિકાના કામદારો સફાઈની કામગીરી કરી રહ્યા છે પણ તેઓનો પનો ટૂંકો પડી રહ્યો છે. ગટર અને જાહેર માર્ગોની સફાઈની કામગીરીના નામે બધી મલાઈ ખાનગી એજન્સી ખાઈ ગઈ અને હવે કાદવ-કીચડ તથા કચરાના ઢગલા પાલિકાના ગણ્યા-ગાંઠયા કામદારોના શિરે નાંખી દેવાતા શહેરનું નખ્ખોદ નીકળી ગયું હોવાનો ગણગણાટ શહેરમાં સંભળાઈ રહ્યો છે.
વલસાડના 80 ટકા વિસ્તારોમાં શુક્રવારે વરસાદી પાણીના ભરાવાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર ગરમાયો છે. 70 ટકા સામાન્ય પ્રજાજનોએ દોષનો ટોપલો વલસાડ નગરપાલિકા પર ઢોળ્યો છે. પાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીમાં રીતસર વેઠ ઉતારી હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનો બળાપો લોકોએ ઠાલવ્યો હતો. શહેરના વેપારી લત્તા તરીકે ગણાતા એમ.જી.રોડ અને નાની ખત્રીવાડમાં જાહેર માર્ગ પર કમર સુધીના પાણી ભરાતાં 80 ટકા દુકાનોની અંદર પાણી ઘૂસવાથી વેપારીઓને ભારે નુકસાન થવા અંગે ગતરાત્રે વેપારીઓ ખત્રીવાડમાં એકત્ર થયા હતા. ત્યાં પહોંચેલા પાલિકાના સેનેટરી ચેરમેન હિતેશભાઈ ભંડારી સમક્ષ વેપારીઓએ ઉગ્ર રજૂઆત કરી કે, નાની ખત્રીવાડમાં નવયુગ પાસે બિલ્ડર દ્વારા ગંગલી ખાડી ઉપર પાકો સ્લેબ ભરી દીધો હોવાથી પાણીનો નિકાલ ના થયો અને લોકોની દુકાનોમાં પાણી ભરાતાં પ્રત્યેક વેપારીને લાખોનું નુકસાન થયું છે. ઉગ્ર બનેલા વેપારીઓએ જો પાલિકા દ્વારા ગંગલી ખાડી ઉપરનો સ્લેબ ના તોડાશે તો વેપારીઓ સ્વખર્ચે એ સ્લેબ તોડી નાંખશે તેવી ચીમકી આપી હતી.
